ગુજરાત એલર્ટ | વલસાડ
પ્રાકૃતિક ખેતી આજના સમયની માંગ છે. જો સ્વસ્થ જીવન જીવવુ હોય તો પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થયેલી ખેત પેદાશ શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ગણાય છે. ખેડૂતો પ્રાકૃતિક ખેતી સરળતાથી કરી શકે તે માટે નવા નવા આઈડિયા પણ ખેડૂતોને ઉપયોગી થઈ રહ્યા છે. આવનારી નવી પેઢી પણ પ્રાકૃતિક ખેતીથી વાકેફ થાય તે માટે તેઓને પ્રાથમિક શિક્ષણમાં જ પ્રાકૃતિક ખેતીના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના રોહિણા ગામની આશ્રમશાળાના બાળ વૈજ્ઞાનિકોએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મદદરૂપ થઈ શકે તે માટે સોલાર પ્રકાશ પિંજર પ્રોજેક્ટ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનીમાં રજૂ કરી ખેડૂતોને મદદરૂપ બન્યા છે.
પ્રાકૃતિક ખેતીના પાંચ આયામોને આધારે હવે ગામે ગામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. આ ખેતીમાં ઝેરયુક્ત રાસાયણિક ખાતરનો બિલકુલ છંટકાવ કરવો પડતો નથી. પરંતુ તેમ છતાં ખેતીના પાકમાં જીવાતો જોવા મળતી હોય છે. જેને અટકાવવા માટે ખેડૂતો જંતુનાશક દવાનો છંટકાવ કરી પાક અને જમીન બંનેને નુકશાન કરતા હોય છે. આ સંજોગોમાં પારડી તાલુકાના રોહિણા આશ્રમશાળાની ધો. ૭ની વિદ્યાર્થિની પ્રવિણા ધવળુભાઈ વાઘમાર્યા અને ધો. ૮ ની વિદ્યાર્થિની જાસ્મીની દલુભાઈ ગાયકવાડે શિક્ષક સતિષભાઈ બી. પટેલના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતીના ખેડૂતોને મદદરૂપ થઈ રહે તે માટે સોલાર પ્રકાશ પિંજર પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. જે અંગે માહિતી આપતા બંને બાળ વૈજ્ઞાનિકો જણાવે છે કે, હાલના વાતાવરણ અનુસાર પાકમાં સફેદ માખી થ્રીપ્સ લીલી પોપટી જેવી ચુસીયા પ્રકારની જીવાતો જોવા મળે છે. આ બધી જીવાતો પાકમાં વધારે પડતું નુકશાન કરે છે. જેના માટે નિયત્રંણ કરવુ ખુબ જરૂરી છે. આ બધા જીવાતોથી સચોટ નિયંત્રણ માટે સોલાર પ્રકાશ પિંજર ખૂબ જ ઉપયોગી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ખેડૂતોના પાકનું જીવજંતુઓથી રક્ષણ કરવા માટે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતા ઝેરી રસાયણોના છંટાકાવમાં ઉપયોગમાં ઘટાડો કરવાનો છે. જેના દ્વારા ખેડૂતોનું આર્થિક ભારણ પણ ઘટે છે. સાથે જ જમીન અને પાકને નુકશાન પણ થતુ નથી. આમ, ખરેખર જોવા જઈએ તો, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે સોલાર પ્રકાશ પિંજર આશીર્વાદ સમાન ગણાય છે.
સોલાર પ્રકાશ પિંજર ખેડૂતો કેવી રીતે બનાવી શકશે
સોલાર પ્રકાશ પિંજર બનાવવાની રીત અંગે બાળ વૈજ્ઞાનિક પ્રવિણા વાઘમારીયા અને જાસ્મીની ગાયકવાડ જણાવે છે કે, સોલાર પ્રકાશ પિંજરમાં સોલાર વડે ચાલતા બે પીળા કલરના બલ્બ લગાડવામાં આવે છે. આ બલ્બની નીચે ચીકાશયુક્ત કેમિકલ રાખવામાં આવે છે. જ્યારે બલ્બ ચાલુ થાય છે ત્યારે બલ્બના પ્રકાશના આકર્ષણના કારણે ખેતરમાં રહેલા જીવજંતુઓ તેના પર બેસે છે અને ચીકાશયુક્ત કેમિકલમાં પડવાના કારણે મૃત્યુ પામે છે.
સોલાર પ્રકાશ પિંજરની ઉપયોગીતા
સોલાર પ્રકાશ પિંજરની વ્યવહારિક ઉપયોગીતા અંગે પ્રકાશ પાડતા બંને બાળ વૈજ્ઞાનિકો વધુમાં જણાવે છે કે, સોલાર પ્રકાશ પિંજરના ઉપયોગથી પાકમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો છંટકાવ કરવો પડતો નથી. પાકમાં બીજી કોઈ આડ અસર પણ થતી નથી. નહિવત ખર્ચ અને સરળ રીતે જીવાત નિયંત્રણ કરી શકાય છે. ખેડૂતોને મોંઘા રાસાયણિક ખાતરોના છંટકાવથી મુક્તિ મળે છે. સોલાર પ્રકાશ પિંજર વોટરપ્રુફ છે. તેથી તેને પાણી લાગી જવાથી પણ બગડતુ નથી. ચાલુ બંધ કરવાની પણ જંજટ રહેતી નથી.