ગુજરાત એલર્ટ | વલસાડ
ઉમરગામ તાલુકાના અંકલાસ ગામ ખાતે આવેલા મણીબા પ્રાકૃતિક કૃષિ કેન્દ્રની પ્રાથમિક કેન્દ્ર શાળા અંકલાસનાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ મુલાકાત લીધી હતી. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત હસમુખભાઈ પટેલે વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપી હતી. પોતાના ખેતરમાં બનાવાયેલા કિચન ગાર્ડનની પણ વિદ્યાર્થી અને શિક્ષકોને મુલાકાત કરાવી હતી. જેમાં પ્રાકૃતિક ખેતી પધ્ધતિના પાંચ આયામો દ્વારા કિચન ગાર્ડનમાં ૧૮ શાકભાજી ઉગાડવામાં આવી હોવાની સમજ આપી હતી. પ્રગતિશીલ ખેડૂત હસમુખભાઈએ તંદુરસ્ત રહેવુ હોય તો પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ હોવાનું જણાવ્યુ હતું. જે સંદર્ભે શિક્ષકો દ્વારા પણ વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતીનું શિક્ષણ આપવામાં આવ્યું હતું. જેમાં સ્વાસ્થ્યવર્ધક પ્રાકૃતિક ખેતીના ફાયદાની સમજ આપવામાં આવી હતી.