ગુજરાત એલર્ટ | વલસાડ
કપરાડા તાલુકાના આંબા જંગલ ગામ ખાતે કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી હીરાબેન પ્રભુભાઈ માહલાના અધ્યક્ષસ્થાને આંબા જંગલ તેમજ આજુબાજુના ગામના ખેડૂતોની તાલીમ શિબિરનું આયોજન જિલ્લાના આત્મા પ્રોજેક્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂત ભાઈઓ તથા બહેનોને પ્રાકૃતિક ખેતી તેમજ તેના આયામો વિશે વિશેષ માહિતી આપવામાં આવી હતી.
ખેડૂતો રાસાયણિક દવા અને ખાતર છોડી પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે પ્રાકૃતિક વસ્તુનો વધુમાં વધુ ખેતીમાં ઉપયોગ કરવા જણાવ્યું હતું. જેમ કે જીવામૃત, ઘન જીવામૃત, વનસ્પતિ અને આચ્છાદન, વાફસા અને સહજીવન વગેરેનો કાયમી ઉપયોગ ખેતીમાં કરે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખે પણ દવા ખાતરના ઉપયોગથી રોગ વધી રહ્યા છે, લોકોનું આરોગ્ય બગડી રહ્યુ છે, જમીન ખરાબ થઈ રહી છે, ઉત્પાદનમાં ઘટાડો તેમજ ગુણવત્તા વગરનું ઉત્પાદન મળે છે તેના વિશે ખેડૂતોને જાગૃત કરી પોતાના વિસ્તારમાં બધા જ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે તે માટે સૂચન કર્યું હતું.