ગુજરાત એલર્ટ | વલસાડ
રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ- ૨૦૨૫ની ઉજવણી અંતર્ગત વલસાડ એસ.ટી.વિભાગીય કચેરીના વર્ક શોપ ખાતે માર્ગ સુરક્ષા માસ- ૨૦૨૫ અન્વયે ટ્રાફિક જાગૃતિ સહિતના મુદ્દે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ. કરનરાજ વાઘેલાની ઉપસ્થિતિમાં સેમિનાર યોજાયો હતો. એસ.ટી. વિભાગીય કચેરી, વિભાગીય યંત્રાલયના કર્મચારીઓ ઉપરાંત વલસાડ એસ.ટી. વિભાગના ૦૬ ડેપોના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ સહિત ૫૦૦ કરતાં વધુ કર્મચારીઓ ઓન લાઈન આ સેમિનારમાં જોડાયા હતા.
જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ. કરનરાજ વાઘેલા દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત તથા વર્ચ્યુઅલ જોડાયેલા વલસાડ-નવસારી-ડાંગ (આહવા) જિલ્લાના એસ.ટી.ચાલકોને સલામત ડ્રાઈવિંગ, ઓવરટેક ન કરવા, સીટ બેલ્ટનો હંમેશા ઉપયોગ કરવો, વાહનોનું નિયમિત મેન્ટનન્સ થવુ જોઇએ, નશો ન કરવો, મુસાફરોની સુરક્ષા સાથે તમારી સુરક્ષા પણ એટલી જ જરૂરી છે, ‘‘તમારો પરિવાર પણ ઘરે તમારી રાહ જોઈ રહ્યો છે” તેમ જણાવ્યું હતું. સાથે ફરજ પ્રત્યેની નિષ્ઠા અને સમર્પણ સહિતના મુદ્દે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ. વાઘેલા દ્વારા વલસાડ વિભાગના વર્ષ- ૨૦૨૫માં નિવૃત્ત થનાર અને પોતાની સંપૂર્ણ નોકરી દરમિયાન એકપણ અકસ્માત ન કરનાર ૦૬ ડ્રાઇવરોનું અને ડીઝલ બચતમાં પ્રગતિ કરનાર બે ડેપોના સંયુક્ત પ્રયત્ન માટે ઉપસ્થિત કર્મચારીઓનું ગુલાબનું ફુલ તથા શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
આ પ્રસંગે વિભાગીય નિયામક એન.એસ.પટેલ સહિત એસ.ટી.ના તમામ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તેમજ વિભાગના સંગઠનના આગેવાનશ્રીઓ અને જિલ્લા ટ્રાફિક પોલિસની ટીમ પણ ઉપસ્થિત રહી હતી.