ગુજરાત એલર્ટ | વલસાડ
પર્યાવરણ માટે હિતકારી અને મનુષ્ય તેમજ જમીન બંનેના સ્વાસ્થય માટે ઉપયોગી પ્રાકૃતિક ખેતીનો બહોળો ફેલાવો થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. ખેડૂતો પણ જાગૃત થઈને ઝેરયુક્ત રાસાયણિક ખાતર છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. ત્યારે સમાજની નવી પેઢીના વિદ્યાર્થીઓને શાળાના શિક્ષણ કાળથી જ પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવવામાં આવે તો આવનારી સમગ્ર પેઢી સરળતાથી પ્રાકૃતિક ખેતી તરફ વળી શકે છે. આ શુભ આશય સાથે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ખડકી ગામની પ્રાથમિક શાળાની ધો. ૮ની બે વિદ્યાર્થિનીઓએ ‘‘પ્રાકૃતિક ખેતીમાં આંકડાનું મહત્વ’’ અંગે પ્રોજેકટ તૈયાર કરી બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં રજૂ કરી સૌનું ધ્યાન ખેંચ્યુ છે.
વધતી જતી વસ્તી તથા માનવી પોતાના વિકાસ માટે વિવિધ જરૂરીયાતો સંતોષવા અનેક સંશોધનો કરી રહ્યો છે. જેના કારણે કુદરતી સંતુલન ખોરવાઈ રહ્યુ છે. ખેડૂતો પણ વધુ પાક મેળવવાની લાલચમાં રાસાયણિક ખાતરનો જમીનમાં બેફામ છંટકાવ કરી રહ્યા છે. જેના કારણે જમીનની ફળદ્રુપતા ખરાબ થઈ રહી છે સાથે મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર પણ વિપરિત અસર પડી રહી છે. રાસાયણિક ખાતરથી જમીન કડક બની રહી છે અને સૂક્ષ્મ જીવાણુની સંખ્યા ઘટી રહી છે. જમીનની ભેજગ્રહણ શક્તિ તેમજ પોષક તત્વો પૂરા પાડવાની ક્ષમતામાં ઘટાડો થતા જમીનમાં પાકની ઉત્પાદકતા ઘટી રહી છે. જેથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને વિશેષ મહત્વ આપી તેને અપનાવવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
પ્રાકૃતિક ખેતી વનસ્પતિનો કચરો અને ગાયના છાણ તથા ગૌમૂત્રના ઉપયોગથી કરવામાં આવે છે. તેનાથી ફળ, શાકભાજી અને અનાજ પૌષ્ટિક તથા સારી ગુણવત્તાવાળા પેદા થાય છે. પ્રાકૃતિક ખેતીની પધ્ધતિ ખૂબ જ સરળ અને બિન ખર્ચાળ હોવાથી ખેડૂતો પણ તેને હોંશે હોંશે અપનાવી રહ્યા છે.
બાળકો પણ પ્રાકૃતિક ખેતીથી વાકેફ થાય તે માટે શાળાના શિક્ષકો અને આચાર્યો દ્વારા પ્રયાસ થઈ રહ્યા છે. જેના ભાગરૂપે પારડીના ખડકી ગામની પ્રાથમિક શાળાની ધો. ૮ ની વિદ્યાર્થિની આરૂષી રાજેશ શાહુ અને ચાહત પવન યાદવે પોતાની શિક્ષિકા અમૃતા સી પટેલના માર્ગદર્શનમાં ‘‘પ્રાકૃતિક ખેતીમાં આંકડાનું મહત્વ’’ વિષય ઉપર સમગ્ર પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. જેની માહિતી આપતા તેઓ જણાવે છે કે, આંકડામાંથી સલ્ફર અને પોટેશિયમ ખૂબ જ સારા પ્રમાણમાં મળે છે. સલ્ફર ફૂગનાશક તરીકે, કીટનાશક તરીકે કામ કરે છે. સાથે પાકને લીલો રાખવામાં, ફળ-ફૂલને વધારવા અને છોડની મજબૂતાઈ માટે જરૂરી છે. સલ્ફર પાકમાં સ્વાદ અને સુગંધ જાળવી રાખે છે. પોટેશિયમ પાક પરના જે ફળો હોય તેની સાઈઝ વધારે છે. પાકને ખરતો અટકાવે છે. પ્રકાશસંશ્લેષણમાં પણ તે ખૂબ જરૂરી છે. આંકડાનો ઉપયોગ કરી તૈયાર કરાયેલુ ખાતર વાપરવાથી જમીનમાં હાનિકારક બેકટેરીયા નાશ પામે છે અને ફાયદાકારક બેકટેરીયાની વૃધ્ધિ થાય છે. જમીન છિદ્રાળુ બને છે, અળસિયાની વૃધ્ધિ થાય છે જેના દ્વારા પાકની ઉત્પાદકતા વધે છે. આ રીતે રાસાયણિક ખાતરને બદલે ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતીથી પકવેલા અનાજથી આપણુ સ્વાસ્થ્ય તંદુરસ્ત અને ધરતી માતાની ફળદ્રુપતા પણ કાયમ રહે છે.
શાળાના બાળકો દ્વારા લોકોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે કરાયેલા આ સુંદર પ્રયાસની સૌ કોઈ સરાહના કરી આ પ્રોજેક્ટને બિરદાવી રહ્યુ છે.
આંકડાનો ઉપયોગથી બિન ખર્ચાળ ખાતર આ રીતે બનાવી શકાય છે
૨૦૦ લીટર પ્લાસ્ટીકનું પીપ લઈ તેમાં ૧૨ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર, પાંચ કિલો ગાયનું છાણ, બે કિલો ગોળ તથા ૨૫ કિલો આંકડાના નાના નાના ટુકડા કરી નાખવુ, ત્યારબાદ તેમાં ૧૫૦ લીટર પાણી નાંખો, આ મિક્સરને બરાબર હલાવી દો. ત્યારબાદ આ પીપમાં હવાની અવર જવર થાય તે રીતે તેને ઢાંકી દો. દરરોજ ૧૦ થી ૧૫ દિવસ સુધી સવાર- સાંજ હલાવતા રહેવુ. ૧૦-૧૫ દિવસ પછી પીપમાં નાંખેલી સામગ્રીનું વિઘટન થઈ જશે અને ખાતર તૈયાર થશે. એક એકર જમીનમાં ૨૦૦ લીટર પીપમાં બનાવેલુ ખાતર પિયત દ્વારા આપી શકાય. જો જંતુનાશક તરીકે વપરાશ કરવો હોય તો ૧૫ લીટર છાંટવાના પંપમાં એક લીટર આ ખાતર ભરી છંટકાવ કરવો જેથી સ્વાસ્થયવર્ધક મબલખ પાક મળી શકે.