સુરતમાં ફરી અંગદાનની જ્યોત :કારની અડફેટે ઘાયલ થયેલા ધો. 12ના બંને વિદ્યાર્થીઓનાં મોત :પરિવારે અંગોનું દાન કર્યું

મિત્રોને હોટેલમાં જન્મદિવસની પાર્ટી આપી બંને ઘર તરફ રિટર્ન થતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો

સુરત : ગત 24 ઓગસ્ટના રોજ વેસુ કેનાલ રોડ પર જી.ડી.ગોએન્કા સ્કુલ પાસે મોપેડ પર જતા શારદાયતન સ્કૂલના ઘોરણ 12 કોમર્સના બે વિદ્યાર્થીઓને એક કારચાલકે ઉડાવી દીધા હતા. આ બંને વિદ્યાર્થીઓનાં પિપલોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન રવિવારે સાંજે મોત થયાં હતાં. મૃતક ક્રિસ ગાંધીનો 23મીએ જન્મ દિવસ હતો, જેથી મિત્રોને પાર્ટી આપવા માટે તેના બાળપણના મિત્ર મીત સાથે વીઆઇપી રોડની એક રેસ્ટોરાંમાં ગયો હતો.મિત્રોને હોટેલમાં જન્મદિવસની પાર્ટી આપી બંને ઘર તરફ રિટર્ન થતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં બંનેને બ્રેઇન હેમરેજ થઈ જતાં પરિવારજનોએ બંને દીકરાઓનાં કિડની, લિવર, આંખો સહિતના અંગોનું દાન કર્યું હતું. અંગદાન કરી બંને વિદ્યાર્થીઓ અન્યોને જીવતદાન આપતા ગયા હતા. મોડીરાતે અંગોને લઈ જવા માટે પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર કરવામાં આવ્યો હતો. મોતને ભેટેલા વિદ્યાર્થીઓમાં એકનું નામ ક્રિસ સંજય ગાંધી(18)(રહે, બેગમપુરા, ચેવલીશેરી) અને બીજાનું નામ મીત પંડયા(18)(રહે, ઉધના દરવાજા) છે. મીત પરિવારમાં એકનો એક દીકરો હતો, જેના પિતા કેટરીંગનું કામ કરે છે, જ્યારે ક્રિસને એક ભાઈ છે અને પિતા ફરસાણનો ધંધો કરે છે. પોલીસે આઇપીસીની કલમ 304 હેઠળ ગુનો નોંધ્યો છે.
ભાગી છૂટેલો ક્રેટા કારનો માલિક સિટીલાઇટની સુર્યપ્રકાશ રેસીડન્સીમાં રહે છે. પોલીસે ફૂટેજના આધારે તપાસ કરતાં કાર કાપડ વેપારી સુરેશની હતી, જેને ડ્રાઇવર રિઝવાન શેખ ચલાવતો હતો. પોલીસે રિઝવાનની ધરપકડ કરી હતી. આ જ સોસાયટીમાં સાડા ત્રણ વર્ષના બાળકનું એક્સિડન્ટમાં મોત થયું હતું, જેના ચાલક હજી શોધી શકાયો નથી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!