ગુજરાત એલર્ટ । વલસાડ
ગુજરાત સરકાર દ્વારા મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-૨૦૦૯ ની કલમ-૧૨(૧)(ક) હેઠળ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫% મુજબ વિનામુલ્યે ધો.૧ માં નબળા અને વંચિત જુથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. આ યોજનામાં અરજી કરવા માટેની છેલ્લી તારીખ ૨૬-૦૩-૨૦૨૪ હતી પરંતુ આ સમયગાળામાં જાહેર રજાઓના કારણે અરજદારોને આવકના દાખલા, જાતિના દાખલા, વગેરે આનુસાંગિક આધારો મેળવવામાં વિલંબ થતો હોવાના કારણે વિવિધ માધ્યમો થકી અરજી કરવાનો0સમયગાળો વધારીને તા.૩૦-૦૩-૨૦૨૪ રાત્રિના ૧૨-૦૦ વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે.
આ યોજના અંતર્ગત અરજદારોએ orpgujarat.com વેબસાઈટ પર હવે તા.૩૦ માર્ચ ૨૦૨૪ રાત્રિના ૧૨-૦૦ વાગ્યા સુધી પ્રવેશ ફોર્મ ભરી અરજી કરવાની રહેશે. જેમાં ફોર્મ ભરવા સંબંધી જરૂરી આધાર પુરાવાની વિગતો વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ યોજના હેઠળ પ્રવેશ માટે જરૂરી માર્ગદર્શન માટે જિલ્લા કચેરીના હેલ્પ લાઈન નં- ૦૨૬૩૨- ૨૫૩૨૧૦ ઉપર સંપર્ક કરવાનો રહેશે. એમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.