નવી દિલ્હી
રાજસ્થાનના જોધપુર નજીક આવેલા નાગૌર જિલ્લામાં એક એવો વ્યક્તિ છે જે વર્ષમાં 300 દિવસ ઊંઘે છે. તે નહાવાનું અને ખાવાનું પણ ઊંઘમાં જ કરે છે. તમને આ વાત સાંભળીને અજીબ લાગતી હશે પણ આ હકીકત છે. 42 વર્ષીય પુરખારામ એક અજીબ બીમારીથી પીડાઈ રહ્યા છે. ડૉકટરો અનુસાર આ એક એક્સિસ હાયપરસોમ્નિયાનો કેસ છે. આ બીમારી ખૂબ જ ઓછા લોકોમાં જોવા મળે છે. આ એક મનોવૈજ્ઞાનિક બીમારી છે. પુરખારામ એકવાર સૂઈ જાય, ત્યારબાદ તે 25 દિવસ સુધી ઊઠતા નથી. આ બીમારીની શરૂઆત 23 વર્ષ પહેલા થઈ હતી. આ બીમારીથી પીડિત પુરખારામને ગ્રામજનો કુંભકર્ણ કહે છે.
પુરખારામને કરિયાણાની દુકાન છે. તેઓ મહિનામાં માત્ર 5 દિવસ દુકાન ખોલી શકે છે. પુરખારામના પરિવારજનો અનુસાર એક વાર ઊંઘ્યા બાદ તે 20-25 દિવસો સુધી ઊઠતા નથી. બીમારીની શરૂઆતમાં પુરખારામ 5થી 7 દિવસ સુધી ઊંઘતા હતા, પરંતુ તેમને ઊઠાડવામાં ખૂબ જ મહેનત કરવી પડતી હતી. ડૉકટર આ બીમારીને ખૂબ જ દુર્લભ ગણાવે છે. આ બીમારીમાં વ્યક્તિ ઊંઘ્યા કરે છે. પુરખારામ જણાવે છે કે તેમને કોઈ સમસ્યા નથી તેમને માત્ર ઊંઘ આવે છે. તેઓ ઊઠવા ઈચ્છે છે પરંતુ તેમનું શરીર તેમનો સાથ આપતું નથી. વર્ષ 2015થી તેમની આ સમસ્યામાં વધારો થયો છે. પહેલા તેમને 18-18 કલાક ઊંઘ આવતી હતી, ધીરે ધીરે તેમનો ઊંઘવાનો સમય વધતો ગયો. ક્યારેક ક્યારેક તેઓ 20-25 દિવસ સુધી ઊંઘ્યા કરે છે. પુરખારામ આ બીમારીનો ઈલાજ કરાવીને થાકી ગયા છે. હવે બધુ જ ભગવાન ભરોસે છે.