હવે મોદી સરકારને ‘ઘરનાએ જ ઘેરી’ : RSSના સંગઠનો કરશે આંદોલન:નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન પ્રોગ્રામ, મોંઘવારી, તાલિબાન સહિતના મુદ્દે સરકાર – સંઘના સંગઠનો વચ્‍ચે ઉગ્ર મતભેદો : સરકારની નાણાકીય નીતિથી ભારતીય મજદુર સંઘ લાલઘુમ : ૯ સપ્‍ટેમ્‍બરે મોંઘવારી વિરૂધ્‍ધ દેશવ્‍યાપી વિરોધ પ્રદર્શનનું એલાન

નવી દિલ્‍હી : નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન પ્રોગ્રામને લઇને વિપક્ષના વિરોધનો સામનો કરતી કેન્‍દ્ર સરકાર હવે પોતાના લોકોના જ નિશાના પર આવી ગઇ છે. સંઘ સાથે જોડાયેલા સંગઠનોએ આ પ્રોગ્રામ ઉપરાંત મોંઘવારી અને તાલિબાન સાથે સરકારની ઔપચારિક મુલાકાતને લઇને ભારતીય મજદુર સંઘ (બીએમએસ)એ નારાજી વ્‍યકત કરી છે.
કેન્‍દ્ર સરકારના મુદ્રીકરણ નીતિની જાહેરાત કરવાના નિર્ણયો, ઉચ્‍ચ મોંઘવારી પર ચિંતાઓ દૂર કરવામાં મોડું અને નવા અફઘાનિસ્‍તાનમાં તાલિબાન શાસન સાથે દિલ્‍હીની ઔપચારિક ભાગીદારી બાબતે રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ (આરએસએસ) અને સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (ભાજપા) વચ્‍ચે અસહમતિની સ્‍થિતી છે. આ બાબત સાથે સંકળાયેલા લોકોએ આ માહિતી આપી છે.
આરએસએસના પદાધિકારીઓ અનુસાર, વધતા ભાવોના મુદ્દાને સંઘના વિભિન્‍ન સહયોગીઓ દ્વારા રેખાંકિત કરાયો છે. આરએસએસના સૌથી મોટા શ્રમિક સંઘોમાંના એક ભારતીય મજદૂર સંઘ (બીએમએસ)એ પોતાની રાષ્‍ટ્રીય કાર્યકારિણીમાં મોંઘવારી વિરૂધ્‍ધ પહેલા જ એક પ્રસ્‍તાવ પસાર કરીને સરકારને સુધારાત્‍મક પગલા લેવા કહ્યું છે. બીએમએસના મહામંત્રી વિનયકુમાર સિંહાએ કહ્યું કે, કોરોના પછી પરિસ્‍થિતિ વધુ ખરાબ થઇ છે. નોકરીમાં ઘટાડો અને પગારમાં કાપથી શ્રમિકો સૌથી વધુ પરેશાન છે અને મોંઘવારી પર કોઇ કાબુ નથી.
મોંઘવારી વિરૂધ્‍ધ ૯ સપ્‍ટેમ્‍બરે દેશવ્‍યાપી વિરોધનું આહ્‌વાન કરનાર બીએમએસે એ પણ સૂચન કર્યું છે કે ઉત્‍પાદનોના વેચાણ ભાવનો ઉલ્લેખ કરવા ઉપરાંત સરકારે એ જોગવાઇ પણ કરવી જોઇએ કે લેબલમાં ઉત્‍પાદનની પડતર કિંમત પણ દર્શાવાય જેથી લોકોને ખબર પડે કે કંપનીઓ કેટલો નફો કમાઇ રહી છે.સિંહાએ કહ્યું કે, દાખલા તરીકે ફાર્મા સેકટરમાં તેઓ કેટલો નફો કમાઇ શકે તેના પર કોઇ નિયંત્રણ નથી. એવી જ રીતે જો સરકાર એક રાષ્‍ટ્ર, એક કરની વાત કરતી હોય તો સામાન્‍ય માણસના જીવનને અસરકર્તા રોજીંદી ભાવની વધઘટને રોકવા માટે પેટ્રોલને જીએસટી હેઠળ કેમ નથી લેવામાં આવ્‍યું. અમે એવી પણ માંગણી કરીએ છીએ કે નફાખોરી અને કાળાબજારને રોકવા માટે ખાદ્ય તેલો અને અન્‍ય ખાદ્ય પદાર્થોને પણ આવશ્‍યક વસ્‍તુ અધિનિયમ હેઠળ લાવવા જોઇએ.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!