ગુજરાત એલર્ટ । વલસાડ
હવામાન ખાતાની આગાહી મુજબ વલસાડ જિલ્લામાં આગામી ૭ દિવસમાં હવામાન સુકુ રહેશે તેમજ ગરમીનો પારો સંભવિત ૪૦ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. આ સમયમાં લુ (સન સ્ટ્રોક) લાગવાની શક્યતા વધુ છે. જેના કારણે શરીરનાં તાપમાનમાં વધારો થશે અને તાવ, માથું દુખવું, ચક્કર આવવા વિગેરે જેવા લક્ષણો જણાશે. જેથી લોકોએ બપોરનાં ખાસ કરીને બપોરે ૧૨ થી ૩ વાગ્યેની વચ્ચે અને ખુલ્લા પગે તથા અનિવાર્ય કારણો સિવાય બહાર નીકળવાનું ટાળવું. વધુ ગરમીનાં સમયમાં રસોઇ કરવાનું ટાળવુ તથા રસોડાનાં વિસ્તારને પૂરતા પ્રમાણમાં હવાની અવરજવર માટે દરવાજા અને બારીઓ ખુલ્લી રાખવી. ચા, કોફી, અને કાર્બોરેટેડ સોફ્ટ ડ્રિંક્સ ટાળો જે શરીરને ડીહાઇડ્રેટ કરે છે. ઉચ્ચ પ્રોટીન, મીઠું, મસાલેદાર અને તેલયુક્ત, વાસી ખોરાક ટાળો. પાર્ક કરેલા વાહનોમાં બાળકો અથવા પાલતુ પ્રાણીઓને એકલા ન છોડો. અગ્નિથી પ્રકાશિત બલ્બનો ઉપયોગ કરવાનું ટાળૉ.
ઉનાળામાં ગરમીથી બચવા સફેદ સુતરાઉ કપડા પહેરવા જોઈએ, દિવસ દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવું, શકય હોય તો લીંબુ સરબત પીવું, ભીના કપડાથી માથું ઢાંકીને રાખવું, અવારનવાર ભીનાં કપડાથી શરીર લુંછવુ, બને ત્યાં સુધી ભુખ્યા ન રહેવું.
તા.૨૧ થી ૨૭ મે દરમ્યાન વયોવૃધ્ધો, સગર્ભા બહેનો, નાના બાળકો તેમજ ગંભીર રોગથી પીડીત વ્યક્તિઓને લુ લાગવાની શક્યતાઓ વધુ રહેલી છે. તાવ, માથું દુખવું, ઉબકા, ચક્કર, બેચેની આવવા વિગેરે જેવા ચિન્હો જણાય તો નજીકનાં દવાખાનામાં ડોકટરની સલાહ મુજબ સારવાર લેવી. સમયસર સારવાર લેવામાં ન આવે તો લુ (સન સ્ટ્રોક) જીવલેણ સાબિત થઇ શકે છે જેથી પોતાના સ્વાસ્થયની કાળજી રાખવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.