ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ તાલુકાના ધનોરી ગામે નવનિર્મિત બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ મહોત્સવ ધામધૂમથી સંપન્ન થયો હતો.
આ પ્રસંગે તિથલ સ્વામિનારાયણ મંદિરના કોઠારી પૂજ્ય વિવેકસ્વરૂપ સ્વામી તેમજ બી.એ.પી.એસ સંસ્થાના વડીલ સંત પૂજ્ય ધર્મચરણસ્વામીએ પ્રતિષ્ઠા વિધિ કરી હતી.
આ નવ નિર્મિત મૂર્તિ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ, ગુરુપરંપરા, શ્રી ઘનશ્યામ મહારાજ તેમજ સનાતન ધર્મની ઉપાસ્ય મૂર્તિઓ ભગવાન શ્રી ગણેશજી તેમજ હનુમાનજીની મૂર્તિઓની વૈદિક વિધિથી પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી. પ્રતિષ્ઠા વિધિ નિમિત્તે ૧૨૧ વાનગીનો અન્નકૂટ પણ ભગવાન સમક્ષ ધરવામાં આવ્યો હતો.
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી આ મંદિરનું નિર્માણ કાર્ય અહીં ગામના હરિભક્તો, ભાવિકો દ્વારા સેવા સમર્પણ અને શ્રમયજ્ઞથી મંદિરના પાયાથી લઈને શિખર સુધીના નિર્માણ કાર્યમાં રાત દિવસની સેવાકાર્યથી આ મંદિર તૈયાર થયું છે.
પ્રતિષ્ઠા વિધિ પૂર્વે વિશ્વ શાંતિ મહાયાગ તેમજ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં હજારો હરિભક્તોએ ઉત્સાહભેર આ કાર્યક્રમની ઉજવણીમાં ભાગ લીધો હતો અને ભગવાનના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
આ મંદિરથી અહીં ચાલતા બાળ, કિશોર, યુવા પુરુષ અને મહિલા સત્સંગ કેન્દ્રોને સત્સંગ પ્રવૃત્તિ માટે વિશેષ બળ પ્રાપ્ત થશે તેમજ વ્યસન મુક્તિ તેમજ સંસ્કાર સિંચન અને સામાજિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓનું આ મંદિર કેન્દ્ર બનશે.