વલસાડ: વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરના હસ્તે ઉમરગામ તાલુકાના નવીનગરી-માણેકપુર ખાતે અપાર ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અને બોન્ડપાડા-સરીગામ ખાતે મદુરા ઇન્ડસ્ટ્રીઝ ટેક્ષ્ટાઇલ દ્વારા સીએસઆર ફંડ હેઠળ બનાવવામાં આવનારા આંગણવાડીના મકાનોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
આ અવસરે રાજ્યમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લામાં આવેલી આંગણવાડીના જર્જરિત હોય તેવા તમામ મકાનોનું નવીનીકરણ સરકાર તેમજ ઔદ્યોગિક એકમોના સહયોગથી કરવામાં આવી રહયું છે. ઉમરગામમાં આવેલા ઓદ્યોગિક એકમો દ્વારા સી.એસ.આર. હેઠળ શાળા, આંગણવાડી, સાંસ્કૃતિક ભાવનો, પીવાનાં પાણીની વ્યવસ્થા વગેરે જેવા કામો થઈ રહયાં છે. જે પૈકી સબેરો અને મેક્લોડસ કંપનીના સહયોગથી લગભગ ચાર આંગણવાડીના મકાનો બનાવવામાં આવી રહયા છે. આંગણવાડીના કામમાં સહયોગી અપાર ઇન્ડસ્ટ્રી અને મદૂરા ટેક્ષટાઇલ સહિત વિવિધ ઔદ્યોગિક એકમોના સહયોગ દ્વારા સરકારની સાથે મળીને વધુમાં વધુ વિકાસના કાર્યો થાય એવી શુભેચ્છા પાઠવી વિકાસકાર્યોમાં લોકોને પૂરતો સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વસતિ વધવાની સાથે વાહનોની સંખ્યા પણ વધે છે, ત્યારે વધુ અવર-જવર ધરાવતા રસ્તાઓનું નવીનીકરણ કરી પહોળા બનાવવામાં ઉપરાંત જે વિસ્તારમાં બ્લૉક લગાવાના બાકી છે ત્યાં બ્લૉક લગાવામાં આવશે. આવનારા દિવસોમાં એક પણ પરિવાર ઘર વિનાનું ન રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસો બનાવવામાં તેમજ તમામ ઘરોમાં પીવાના શુદ્ધ પાણી મળી રહે તે માટે નલ-સે જલ યોજના હેઠળ ઘર ઘર નળ દ્વારા પાણી આપવાનું સુચારુ આયોજન કરાયું હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારીમાં જરૂરિયાતમંદોને ખાવાની તકલીફ ન પડે તે માટે મફતમાં અનાજ આપવામાં આવ્યું છે.
જિલ્લા પંચાયત પ્રમુખ અલ્કાબેન શાહે જણાવ્યું હતું કે, ભાર વિનાનું ભણતર એટલે આંગણવાડી. બાળકોનું ભવિષ્ય ઉજવળ બને, મૃત્યુદર ઘટે, બાળકોનું આરોગ્ય સુધરે, શુદ્ધ આહાર મળે, ધાત્રી અને સગર્ભા મહિલાઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે આંગણવાડી કાર્યકરોની કામગીરીની સરાહના કરી હતી.
ઉમરગામ તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈએ રાજ્ય સરકારના વિકાસકાર્યોમાં ઔદ્યોગિક એકમોના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં સાંસદ ડૉ.કે.સી.પટેલ, જિલ્લા બાંધકામ સમિતિના પ્રમુખ મુકેશભાઇ પટેલ, માણેકપુરના સરપંચ અર્જુનભાઈ ડાવરિયા, અપાર ઇન્ડસ્ટ્રીઝના સદસ્ય શેટ્ટી, મદુરા ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ બિપીનભાઈ, ઉમરગામ તાલુકા સંગઠન પ્રમુખ દિલીપભાઈ ભંડારી, મહામંત્રી પ્રકાશભાઇ પટેલ, અગ્રણીઓ મહેશભાઈ, દીપકભાઈ, રામદાસ વરઠા, ગામ આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહયાં હતાં.