ખેરગામની બેંક ઓફ બરોડામાં નેટવર્ક સમસ્યા: પૈસા ઉપાડવા લોકોની લાઈનો

ખેરગામ
ખેરગામ તાલુકા મથકે ત્રણ દિવસની સળંગ જાહેર રજાએ બેંકમાં લેવડદેવડ કરનારા સેંકડો ગ્રાહકોને દુઃખી કર્યા હતા. જેમાં બેન્ક ઓફ બરોડામાં નૅટ સમસ્યા ઉભી થતા શુક્રવારથી લેવડદેવડ બેંકિંગ કામકાજ બંધ થઈ ગયું હતું. તે મંગળવારે સવારે પૂર્વવત થયું હતું.
પ્રાપ્ત વિગત મુજબ હાલમાં જનધન યોજનામાં ગ્રામ્ય લોકોનો રૂપિયા ૨,૦૦૦/- ઉપાડવા માટે ભારે ધસારો થાય છે. જેઓને પાસબુકમાં થયેલી લેવડદેવડની નોંધ કરાવવી હોય તો પ્રિન્ટર બંધ, નાણાંની લેવડદેવડ કરવી હોય તો એટીએમ પણ બંધ અને બેંકમાં જઈને માનવીય રીતે કામગીરી કરવી હોય તો કોમ્પ્યુટર બંધ હોવાથી નિરાશ થઈને પાછા ફરવું પડે છે. આવું સતત ચાર દિવસ ચાલ્યું, મંગળવારે સવારે સાડા નવ વાગ્યા પછીથી સેવા રાબેતા મુજબ શરૂ થતાં આદિવાસી ગ્રાહકો- બેંક કર્મીઓએ રાહત અનુભવી હતી.
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં પણ આખા ખેરગામ તાલુકા મથકમાં રોજના ૩૦ લાખની આસપાસ ઉપાડ કરતું સૌથી વ્યસ્ત એટીએમ છે. જ્યાં પણ શનિ-રવિમાં રોકડ રકમ ખલાસ થઈ જતા અને સોમવારે બપોર સુધી ફરી નહીં ભરાતા લોકો વીલે મોઢે પાછા ફરતા હતા.
ગ્રાહકો તો હમણાં ચાલુ થશે, હમણાં ચાલુ થશે કરીને કલાકો સુધી હરોળમાં ઉભા રહીને તપસ્યા કરતા હતા. બેંકમા કામ ન થતાં સેવા કેન્દ્ર-પોઇન્ટ ખાતે જતા ત્યાં પણ આ જ હાલત થતી. બેંક સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ હૈદરાબાદ અને નવી મુંબઈ ખાતેથી જ દેશભરમાં નેટ સમસ્યા ઉદભવી હોવાનું જાણવા મળતું હતું. કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર જમા કરતાની સાથે જ ગ્રામ્ય લોકો તાત્કાલિક ઉપાડી લેવા ધસારો કરે છે. પ્રિન્ટર ચાલતું ન હોય જમા થયા કે નહીં તેની પણ ખબર નહિ પડતા આમતેમ આંટા મારે છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!