વલસાડ : વલસાડ કલેક્ટર ક્ષિપ્રા આગ્રે દ્વારા જિલ્લામાં કોઈ પણ પ્રકારની આપત્તિ સમયે બચાવ કામગીરી, પ્રાથમિક સારવાર, રાહત કામગીરી કઇ રીતે કરવી તેની જાણકારી મળી રહે તે માટે એન.ડી.આર.એફ.ના સહયોગથી જિલ્લાના ગ્રામ્ય, તાલુકા કક્ષાએ તેમજ શાળા કોલેજો જેવા વિવિધ સ્થળોએ તા.૨૦/૯/૨૧ થી તા.૪/૧૦/૨૦૨૧ સુધી જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જે અંતર્ગત વલસાડ તાલુકાની લીલાપોર ગ્રામ પંચાયત ખાતે એનડીઆરએફ દ્વારા પ્રત્યક્ષ નિદર્શન મારફત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં એનડીઆરએફના સબ ઈન્સ્પેકટર વિજય સિંહે એનડીઆરએફની કામગીરી અંગે પ્રાથમિક માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં વરસાદ વધુ આવવાના કારણે પુર આવવાની શકયતાઓ વધી જાય છે. આ ઉપરાંત પુરની સાથે વાવાઝોડું, ભુકંપ, આગ લાગવી, અકસ્માત જેવી કોઈ પણ પ્રકારની આપત્તિ વ્યવસ્થાપન અંગે લોકોમાં જાગૃતિ હોય તો જીવ ગુમાવવો પડે એવી પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે બચાવ કામગીરી, પ્રાથમિક સારવાર, રાહત કામગીરીની માહિતી મેળવી જાગૃત થઈ ગામડાંના દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો.
એનડીઆરએફના સદસ્યો દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે ભુકંપ જેવી આપત્તિ સમયે ભયભીત ન થતાં દીવાલ અથવા મકાનની કોલમ પાસે બેસી જવું જોઇએ અને માથા ઉપર મજબુત વસ્તુ કે સાધન રાખવું અથવા બેડના નીચે જતાં રહેવું જોઇએ, જેથી છતનો કોઈ પણ ભાગ પડે તો તેનાથી બચી શકાય છે. આવા સમયે બને ત્યાં સુધી લીફટનો પ્રયોગ ન કરી સીડીનો ઉપયોગ કરવા, લાઈટ સ્વીચ ઓફ કરી દેવા, ગાડી અથવા ટુ વ્હીલરમાં બેસી સફર કરી રહયા હોય તો ગાડી થોભાવી ઊભા રહી જવા વગેરે અંગેની જાણકારી પ્રત્યક્ષ નિદર્શન સાથે આપી હતી.
આ ઉપરાંત કોઈ પણ પ્રકારની આકસ્મિક દુર્ઘટના, હાર્ટઅટેક, પુર, આગ વગેરે સમયે રાખવાની થતી કાળજી અને તેના ઉપાયોની જાણકારી પણ આપી હતી.
આ કાર્યક્રમમાં એનડીઆરએફના સદસ્યો, સરપંચ સુનીતાબેન, તલાટી અવની સી.પટેલ, મેડીકલ સ્ટાફ, તથા ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.