ગુજરાત એલર્ટ | વલસાડ
રાસાયણિક ખાતરને કારણે જમીન અને મનુષ્યના આરોગ્યને મોટુ નુકસાન થઈ રહ્યું છે જેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગામે ગામ પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતોને પ્રેરણા આપવામાં આવી રહી છે. વલસાડ જિલ્લામાં શાળા કક્ષાથી જ બાળકોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવવામાં આવી રહ્યુ છે. જે અંતર્ગત વલસાડ જિલ્લાના પારડી તાલુકાની પોણિયા ફળિયા પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકોએ કુદરતી પ્રવાહી ખાતર પ્રાકૃતિક ખેતી માટે વરદાનરૂપ હોવાનો પ્રોજેક્ટ રજૂ કરી ખેડૂતોને પણ માર્ગ બતાવ્યો છે.
પારડી તાલુકાના પોણિયા ફળિયાની પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિક ધો. ૫ ના વિદ્યાર્થી આર્યન કમલેશ પટેલ અને ધો. ૩ ના વિદ્યાર્થી માનવી હર્ષદ પટેલે શિક્ષક નરેશ ઠાકોરભાઈ પટેલના માર્ગદશર્ન હેઠળ કુદરતી પ્રવાહી ખાતર બનાવવાનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. જેમાં બાળ વૈજ્ઞાનિકોએ રાસાયણિક ખાતરથી થતા નુકશાન અંગે જણાવ્યું કે, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા જમીનને સખત બનાવે છે. જમીનના પોષક તત્વોમાં ઘટાડો થાય છે. ખોરાકમાં પણ ઝેરી રસાયણોની અસરોને કારણે માંદગીનું પ્રમાણ દિવસે દિવસે વધુ જાય છે. જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી. ખેડૂતો વધુ ઉત્પાદન મેળવવાની લાલચમાં વધુ પડતા રાસાયણિક ખાતરનો છંટકાવ કરતા હોય છે. જેના કારણે કેન્સર સહિતના રોગોનું પ્રમાણ વધી રહ્યુ છે. જેથી રાસાયણિક ખાતરને બદલે કુદરતી પ્રવાહી ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો જમીન અને મનુષ્ય બંનેના સ્વાસ્થયને ફાયદો થાય તેમ છે. કુદરતી પ્રવાહી ખાતર બનાવવા માટે એક ડોલ, પીવીસી પાઈપ, નળ, કોથળો, માટી, બકરીની લીંડી, શાકભાજીનો સડો, સુકુ છાણ, પાણી અને કૂસકોની જરૂર પડે છે. જેના વડે માત્ર ૨૦ થી ૨૫ દિવસમાં ખાતર તૈયાર થઈ જાય છે. આ ખાતરનો ખેતરમાં ઉપયોગ કરવાથી જમીન નરમ બને છે. જમીનમાં પોષક તત્વોના પ્રમાણમાં વધારો થાય છે. કુદરતી પ્રવાહી ખાતરથી તૈયાર થયેલા અનાજ, કઠોળ, શાકભાજી અને ફળ ખાવાથી અન્ય પ્રકારના રોગોથી પણ બચી શકાય છે. પાકમાં સ્વાદ, સુગંધ, કલર, મીઠાશ અને સંગ્રહ કરવાની ક્ષમતા પણ વધે છે. જમીનને સેન્દ્રિય પદાર્થો મળે છે તેથી પાકનું ઉત્પાદન વધે છે. પાકને ખરતો પણ અટકાવે છે. જમીન ફળદ્રુપ અને ઉપજાઉ બનાવે છે. કુદરતી પ્રવાહી ખાતર ટપક સિંચાઈ પધ્ધતિથી સરળતાથી આપી શકાય છે. એક ખેતરથી બીજા ખેતરમાં સરળતાથી લઈ જઈ શકાય છે. આમ, બાળ વૈજ્ઞાનિકો દ્વારા વાલીઓ તેમજ શિક્ષકોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવવામાં આવી રહ્યુ છે. રાજ્ય સરકાર દ્વારા બાળકોને પાયાથી જ પ્રાકૃતિક ખેતીનું મહત્વ અને તે અંગેનું શિક્ષણ આપવામાં આવી રહ્યું હોવાથી આગામી ભવિષ્યમાં સમસ્ત નવી પેઢી ‘‘ઝેરયુક્ત રાસાયણિક ખેતી’’ છોડી ‘‘ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી’’ તરફ પ્રયાણ કરશે એ દિવસો હવે દૂર નથી.
જમીન અને મનુષ્યના સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે પ્રાકૃતિક ખેતીમાં કુદરતી પ્રવાહી ખાતર વરદાન સમાન: પારડીની પોણિયા ફળિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ‘‘કુદરતી પ્રવાહી ખાતર’’નો પ્રોજેક્ટ રજૂ કર્યો
