ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડના ભદેલી ગામ ખાતે શાહ નરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) શિબિરના બીજા દિવસે મેડીકલ કેમ્પનું ઉદઘાટન આચાર્ય ડૉ.ગિરીશકુમાર એન. રાણાના હસ્તે થયું હતું. તેમણે આ પ્રસંગે શિબિરાર્થીઓને તેમજ ગ્રામજનોને પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવા માટે આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરવા પર ભાર મુક્યો હતો. વધુમાં તેમણે વધતા જતા કલાઇમેટ ચેન્જની પરિસ્થિતિ જોતા પ્રાકૃતિક ખેતી તરફ વધુમાં વધુ ખેડૂતો વળી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
આયુર્વેદિક કેમ્પમાં ગ્રામસ્થ ભાઈઓ અને બહેનોએ ચેકઅપ કરાવ્યું હતું. આત્મા પ્રોજેક્ટના નાયબ નિયામક ધીરેનભાઈ પટેલે શિબિરાર્થીઓને જણાવ્યું કે, કુદરતી રીતે ઊગેલા વૃક્ષોનું ધ્યાન લેવા કોઈ જતું નથી છતાંય આ વૃક્ષો વટવૃક્ષ બને છે. આજે બદલાતું જતું હવામાન અને વધુ પડતા રસાયણોનો ઉપયોગ જે યુવાનોમાં આવતા હાર્ટ એટેકનું મૂળ કારણ છે. ખોરાક પણ જયારે રાસાયણિક ખાતરોથી ભરેલા હોય ત્યારે સ્વાભાવિક રીતે પ્રાકૃતિક ખેતીનો વધારો કરવાની તાતી જરૂર છે. ખેતી વિભાગ દ્વારા ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે. વલસાડ જિલ્લામાં ૧૪૫૦૦૦ ખેડૂતોમાંથી ૧૮૦૦૦ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. આ સંખ્યાને વધુ કરવાની જરૂર છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત્તનું ઉદાહરણ આપતા એમણે ટાંક્યું કે, રાજ્યપાલશ્રી સ્વયં પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મુકે છે. બપોરે બાદ ડૉ.નિતિન પટેલે FOREIGN LANGUAGE, GPSC, UPSC માં પોતાનું કેરિયર કેવી રીતે બનાવવું એ વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.
વલસાડના ભદેલીમાં રાષ્ટ્રીય સેવા યોજનાની શિબિરમાં પ્રાકૃતિક ખેતી સેમિનાર-આયુર્વેદિક હેલ્થ કેમ્પ યોજાયો:૧૪૫૦૦૦માંથી ૧૮૦૦૦ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા:વધુ પડતા રસાયણોનો ઉપયોગ થતા યુવાનોમાં હાર્ટ એટેકના બનાવ વધ્યા.
