ગુજરાત એલર્ટ । વલસાડ
રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ(આરબીએસકે) અંતર્ગત માર્ચ મહિનાને નેશનલ બર્થ ડિફેક્ટ(જન્મજાત ખામી) અવેરનેસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે વલસાડ જિલ્લાના ૪૦ થી વધુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જન્મજાત ખામીની તપાસણી અને સારવાર માટે કાર્યક્રમ યોજાયા હતા.
વલસાડ આરબીએસકેની VSVAR 551 ટીમ દ્વારા વલસાડ તાલુકાના કાંજણ રણછોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ ઓફિસરના સંકલન સાથે આશા વર્કર અને ફિમેલ હેલ્થ વર્કરોને બર્થ ડિફેક્ટ અવેરનેસ વિશે માહિતી આપી જણાવવામાં આવ્યું હતું કે, બાળકોમાં જન્મજાત ખામીઓનું પ્રમાણ ઘટાડી શકાય અને જન્મજાત ખામીનું ત્વરિત તપાસણી કરી સારવાર થકી બાળકો તંદુરસ્ત જીવન જીવી શકે તે હેતુસર જન્મજાત ખામીમાં કપાયેલા હોઠ અને કપાયેલુ તાળવું સહિતની ખામીઓ થવાના કારણો, આરોગ્ય, શિક્ષણ, નિઃશુલ્ક સારવાર અને ખામી અટકાવી શકાય તેના ઉપાયો વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચાલુ માસમાં બર્થ ડિફેક્ટ અવેરનેસ ઉજવણી અંતર્ગત આરબીએસકે ટીમ દ્વારા પોસ્ટર પ્રેઝન્ટેશન સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
માર્ચ માસને બર્થ ડિફેક્ટ અવેરનેસ તરીકે કરવામાં આવી રહેલી ઉજવણી અંગે વલસાડ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી (સીડીએચઓ) ડો.કે.પી.પટેલે વધુ માહિતી આપતા જણાવ્યું કે, બાળકની જન્મજાત ખામીમાં ન્યુરલ ટયુબ ડિફેક્ટસ, ક્લેફ્ટ લીપ અને પેલેટ, કલબ ફૂટ, ડેવલપમેન્ટ ડિસપ્લેસિયા ઓફ હિપ, જન્મજાત મોતિયો, જન્મજાત બધિરતા, જન્મજાત હ્રદયના રોગ, રેટીનોપેથી ઓફ પ્રિમેચ્યોરિટી, ડાઉન સિન્ડ્રોમ અને અન્ય કોઈ નોંધપાત્ર ખામીનો સમાવેશ થાય છે. આ જન્મજાત ખામીઓની તપાસણી દરેક પ્રસૂતિ સ્થળ (ડિલિવરી પોઈન્ટ- સરકારી અથવા ખાનગી) કે જ્યાં પ્રસૂતિ થતી હોય ત્યાં શિશુની જન્મજાત ખામી માટે તપાસણી કરવામાં આવે છે અને જો કોઈપણ જન્મજાત ખામી જણાય તો તેની સારવાર સંપૂર્ણપણે વિના મૂલ્યે કરવામાં આવે છે. આપણા આજે ભરેલા પગલાં સ્વાસ્થ્યસભર ભાવિનું નિર્માણ કરશે.
સીડીએચઓ ડો. પટેલે વધુમાં જણાવ્યું કે, જન્મજાત હ્રદય રોગ/ખામીએ સૌથી સામાન્ય જન્મજાત ખામી છે. જે દર ૧૦૦૦ જીવંત જન્મતા ૧૨ નવજાત શિશુઓમાં જોવા મળે છે. હ્રદયની રચનામાં એક અથવા વધુ અસાધારણતા સાથે બાળક જન્મે છે. ગંભીર જન્મજાત હ્રદય રોગ એ ગંભીર જીવલેણ હ્રદયની ખામી છે. જે દર ૧૦૦૦ જીવંત જન્મતા શિશુમાંથી ૩ માં થાય છે. જેથી બાળપણના પ્રારંભિક તબક્કે જ તપાસ અને સારવાર જરૂરી છે.