ગુજરાત એલર્ટ । વલસાડ
રાજ્ય સરકારનાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા નગરના મોટા બજાર સ્થિત લક્ષ્મીનારાયણ મંદિરના વિશાળ પરિસર ખાતે ‘પર્યટન પર્વ’નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરના ૧૦૦૦થી વધુ સંગીતપ્રેમી નગરજનોએ ભાગ લીધો હતો.
ગુજરાતની લોકસંગીતની વિરાસતને આગળ ધપાવવા યોજાયેલા ‘પર્યટન પર્વ’માં જાણીતી ગાયક ધરા શાહ તથા પ્રીતમ શુકલા અને એમનાં બેન્ડે લોકસંગીત,ગરબા તથા ક્લાસિકલ ભારતીય સંગીતની અદભૂત પ્રસ્તુતિ રજૂ કરીને ધરમપુરવાસીઓને રસતરબોળ કર્યા હતાં. રાત્રીના 9.00 વાગ્યાથી 11.00 વાગ્યા સુધીમાં ધરા શાહ અને પ્રીતમ શુકલાની જુગલ બંધીએ ગુજરાતી, રાજસ્થાની તથા હિંદી ક્લાસિકલ ગીતો પર સુર રેલાવી અનેકાનેક પ્રસ્તુતિઓ રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
છેલ્લે ગવાયેલા ગરબામાં ભાવના અતિરેકમાં આવી સ્ટેજના આગળના ભાગમાં નાના ભૂલકાઓ, મહિલાઓ, અબાલ વૃધ્ધો ગરબા રમવા પણ જોડાયા હતા, દરેક કૃતિઓ ઉપર મળતી દાદના કારણે કલાકારોનો ઉત્સાહ પણ બેવડાતો હતો, વર્ષો બાદ આવો લાઈવ કોન્સર્ટ પ્રોગ્રામ રજૂ થતા નગરજનોએ પણ કાર્યક્રમને વધાવી લીધો હતો.
ધરમપુર લક્ષ્મીનારાયણ મંદિર ખાતે પર્યટન પર્વની સંગીતમય ઉજવણી:સુપ્રસિદ્ધ ગાયિકા ધરા શાહ અને બેન્ડે 1000 થી વધુ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા
