ગુજરાત એલર્ટ | વલસાડ
દરેક નાગરિકોને તેમના ઘર આંગણે જ સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત વલસાડ જિલ્લાની ધરમપુર પાલિકા દ્વારા ત્રણ દરવાજા પાસે આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલની અધ્યક્ષતામાં સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કુલ ૨૧૧૪ અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો.
આ સેવાસેતુ કાર્યક્રમમાં પ્રોપર્ટી ટેક્સ, આવક, જાતિ, ક્રિમિલેયર, ડોમીસાઇલ, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, દિવ્યાંગ પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રાશનકાર્ડને લગતી અરજીઓ, આધારકાર્ડ, પ્રધાનમંત્રી જન આરાગ્ય કાર્ડ, વિધવા સહાય, વૃધ્ધ નિરાધાર સહાય તેમજ રાજ્ય સરકારના કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ, ગ્રામ વિકાસ, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિભાગ જેવા સરકારના જુદા જુદા ૧૨ વિભાગો દ્વારા નાગરિકોને મળતી ૫૫ જેટલી જાહેર યોજના હેઠળના લાભો સ્થળ ઉપર કાર્યવાહી કરી આપવામાં આવ્યા હતા.
આ સેવા સેતુ કાર્યક્રમમાં સાતબાર/આઠ અ ના પ્રમાણપત્રોની ૧૫૨૮ અરજી, જન્મ-મરણના પ્રમાણપત્ર ૧૧૮, જાતિ પ્રમાણપત્ર (સૌરાષ્ટ્રના જિલ્લાઓ સિવાય) ૧૧૭, રાશન કાર્ડમાં નામ દાખલ ૭૮, આધાર કાર્ડમાં સુધારા ૫૫, પ્રોપર્ટી ટેક્સ ૪૮, રાશન કાર્ડમાં નામ કમી ૩૭, હેલ્થ વેલનેસ કાર્ડ(ડાયાબીટીસ અને બી.પી.ની ચકાસણી) ૭૧, આવકનો દાખલો ૨૨, રાશન કાર્ડમાં સુધારો ૨૧, આધાર કાર્ડનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ ૨૦, પી.એમ.જે.મા (અરજી) ૨૦, બસ કન્સેશન પાસ – સામાન્ય લોકો માટે ૭, વ્યવસાય વેરો ૪, ગુમાસ્તા ધારા ૨, મેડિકલ ઓફિસર દ્વારા ઉંમરનો દાખલો ૨, બસ કન્સેશન પાસ દિવ્યાંગો માટે ૧, રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના ૧, વિધવા સહાય ૧ અને વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર ૧ મળી કુલ ૨૧૧૪ અરજીનો સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો. ધરમપુર પાલિકાના કુલ ૧ થી ૬ વોર્ડના કુલ ૨૧૭૫ લોકોએ ઉપસ્થિત રહી સેવા સેતુ કાર્યક્રમનો લાભ લીધો હતો.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલે સેવાસેતુ કાર્યક્રમ યોજવાનો સરકારનો હેતુ સમજાવી વધુમાં વધુ લોકોને લાભ લેવા અપીલ કરી હતી. બાદમાં તેમણે વિવિધ સરકારી વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા ટેબલોની મુલાકાત કરી લોકોને આપવામાં આવતી સુવિધા અંગે માહિતી મેળવી અરજદારો સાથે પણ ચર્ચા કરી હતી.
આ કાર્યક્રમમાં ધરમપુર ખેતીવાડી બજાર સમિતિના પ્રમુખ જીવાભાઈ આહિર, ધરમપુર પાલિકાના ચીફ ઓફિસર વિજય ઈટાલિયા, પાલિકાના માજી પ્રમુખ જયોત્સનાબેન દેસાઈ અને જયદીપ સોલંકી, પાલિકાના માજી ઉપપ્રમુખ નરેશ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.