ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાનનું પ્રમાણ વધે તે માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે, જેમાં જનભાગીદારીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અગાઉ કપડાના બે શો રૂમ અને વાપીની એક હોટલ દ્વારા મતદાનના દિવસે મતદાન કરનાર વ્યક્તિ પોતાની શ્યાહી વાળી આંગળી બતાવશે તો તેઓને ડિસ્કાઉન્ટનો લાભ આપવામાં આવશે. જે માટે દુકાનદારો, વેપારીઓ દ્વારા વિવિધ સ્કીમની ઓફર કરાઈ હતી. મતદાન જાગૃતિ માટેના આ નવા અભિગમમાં વાપી બજાર રોડની કપડાની બે દુકાન અને વાપી ટાઉનની એક દુકાન દ્વારા ૧૫ ટકા ડિસ્કાઉન્ટ, વાપીની જાણીતી એક હોટલ દ્વારા પાંચ ટકા અને અન્ય એક હોટલ દ્વારા ૧૦ ટકા ડિસ્કાઉન્ટ, વાપીની વાસણની દુકાન દ્વારા ૧૫ ટકા ડિસ્કાઉન્ટ અને વાપીની એક જવેલર્સની દુકાન દ્વારા મેકિંગ ચાર્જીસ પર ૧૫ ટકા ડિસ્કાઉન્ટની ઓફર મતદાન કરનાર મતદાતાઓ માટે આપવામાં આવી છે. નવી નવી આકર્ષક સ્કીમના કારણે મતદારોમાં પણ મતદાન કરીને આ સ્કીમનો લાભ લેવા માટે ઉત્સાહ વર્તાઈ રહ્યો છે.