ગાંધીનગર
ગુજરાતમાં કોરોના વાયરસને કારણે લગાવેલા આંશિક લોકડાઉનમાં થોડી વધારે છૂટછાટ આપવામાં આવી છે.
આ પહેલા સીએમ વિજય રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ લારી ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, હેરકટિંગ સલૂન, બ્યુટી પાર્લર, માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિઓ 4 જૂનથી સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો હતો. રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ સવારના 9થી રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે. જ્યારે ટેક અવે સુવિધા રાતના 9 વાગ્યા સુધી જ ચાલુ રહેશે.
આજથી શું ખુલશે?
આજથી રાજ્યની તમામ શાળાઓ શરૂ થશે. રાજ્યની શાળા-કોલેજોમાં 1.27 કરોડ વિદ્યાર્થીનું નવું શૈક્ષણિક સત્ર સોમવારથી શરૂ થશે. શિક્ષકોએ 100 ટકા હાજરી સાથે શાળા-કોલેજમાં આવવાનું રહેશે. જ્યારે વિદ્યાર્થીઓએ ઘરે જ રહીને ઓનલાઇન શિક્ષણ મેળવવાનું રહેશે. કોઇપણ વિદ્યાર્થીને શાળાએ ના બોલાવવા રાજ્ય સરકારે આદેશ આપ્યા છે. આ સાથે આજથી સરકારી તેમજ ખાનગી કચેરીઓમાં 100 ટકા કર્મચારીઓને બોલાવી શકશે. રાજ્યમાં એસટી, સીટી બસ 50 ટકા પેસેન્જર સાથે શરૂ થશે. બસમાં મુસાફરી કરનાર તમામ વ્યક્તિઓએ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે. આ ઉપરાંત અગાઉની જેમ તમામ પ્રકારના ધંધા સવારે 9થી સાંજે 6 સુધી ચાલુ રાખી શકાશે. જેમાં સમય વધારવામાં આવ્યો નથી.
શું બંધ રહેશે?
હજી મંદિરોમાં ભક્તોને આવવાની મંજૂરી આપવામાં આવી નથી. મંદિર સહિતના ધાર્મિક સ્થાનો બંધ રહેશે. મંદિરમાં માત્ર પૂજારી પૂજાવિધિ કરી શકશે. તે ઉપરાંત કોઇપણ પ્રકારના રાજકીય-સામાજિક કાર્યક્રમો યોજાશે નહીં. સ્વિમીંગ પુલ, જિમ, કોચિંગ કલાસ, સિનેમા થિયેટરો, ઓડિટોરીયમ, વોટર પાર્ક, બાગ-બગીચા,મનોરંજક સ્થળો, સ્પા બંધ રાખવામાં આવશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી તા. 8 થી શરૂ
આ સાથે જ કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી 8 મીથી ફરી શરૂ થશે. આ માટે ઓનલાઈન ટિકિટ બુકિંંગ શરૂ થઈ ગયું છે. હોટલ અને ટેન્ટસિટી માટે પણ બુકિંગ ઇન્કવાયરી શરૂ થઈ છે. જોકે 36 મહાનગરો-શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ રાત્રે 9થી સવારે 6 કલાક દરમિયાન ચાલુ રહેશે. રાજ્યનાં મોટાં મંદિરો, જેવાં કે દ્વારકા, અંબાજી, ડાકોર, સોમનાથ, પાવાગઢ, આશાપુરા, બહુચરાજી, ઉમિયાધામ હાલ 11 મી સુધી બંધ છે, પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટી શરૂ થતાં એ પણ શરૂ થવાની શક્યતા વ્યક્ત કરાઇ રહી છે.