વલસાડ
વલસાડ મોગરાવાડી રેલ્વે ગરનાળા બાબતે કલેકટર પાલિકા અને રેલવે અધિકારી વચ્ચે મીટિંગ યોજાઇ હતી જેમાં વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ અન્ડરપાસ ચાલૂ રાખવા માટે જણાવ્યું હતું
વલસાડ મોગરાવાડી અને અબ્રામા ઝોન, પારડીસાંઢપોરના લોકો રેલવે અન્ડરપાસ ઉપયોગ વર્ષોથી કરતા આવ્યા છે. 11મેના રોજ સિનીયર સેકશન અધિકારીએ પાલિકા, કલેકટર, મામલતદાર, પોલીસ તંત્રને મોગરાવાડી નાળાને કાયમી ધોરણે બંધ કરવા નોટિસ દ્વારા જાણ કરી હતી. જો કે પાલિકા વિપક્ષ નેતા ગીરીશ દેસાઇ, જિ.પં. વિપક્ષ નેતા ભોલાભાઇ પટેલ, સભ્યો સંજય ચૌહાણ, ઝાકિર પઠાણ, વિજય પટેલ વિગેરે તેમજ મોગરાવાડી, અબ્રામા અને પારડીસાંઢપોર વિસ્તારના લોકોમાં રોષ વ્યાપી ગયો હતો. જેનો ઉગ્ર વિરોધ થતાં કલેકટર આર.આર.રાવલે ગુરૂવારે પ્રાંત અધિકારી નિલેશ કુકડિયા, રેલવે અધિકારીઓ, પાલિકા સીઓ જે.યુ.વસાવા, ઇજનેર હિતશ પટેલ સાથે બેઠક બોલાવી હતી. જેમાં આ અન્ડરપાસ 35 હજાર લોકો માટે અવવા જવા માટે જીવાદોરી સમાન હોવાનું પાલિકાએ મુદ્દો ઉઠાવ્યો હતો.
રેલવે અધિકારીઓએ સેફટી ઓડિટ વિભાગનો પત્ર ટાંકીને તેનું પુન: નિર્માણ કરવા અને તેને કાયમી બંધ કરવા અંગે રેલવેના નિર્ણયની રજૂઆત કરી હતી. કલેકટરે અન્ડરપાસ જાહેર સુખાકારીનો પ્રશ્ન છે તેમ જણાવી વૈકલ્પિક સ્ત્રોત જ્યાં સુધી ન થાય ત્યાં સુધી તે ચાલૂ રાખવા તાકીદ કરી હતી.