કેન્દ્ર સરકારે વીજચોરી રોકવા, વીજ કંપનીઓની ખોટ ઘટાડવા તથા ગ્રાહકોને ગુણવત્તાયુકત વિજ સપ્લાય આપવા લીધો મહત્વનો ફેંસલો : ૨૦૨૫ સુધીમાં સમગ્ર દેશમાં ઘેર-ઘેર પાવર મીટર લાગી જશે : પ્રીપેડ પાવર મીટર લાગી ગયા બાદ પહેલા તેને રિચાર્જ કરાવવું પડશે પછી વિજ વપરાશ થઇ શકશે : પ્રીપેડ મોબાઇલ કે કેબલ કનેકશનની જેમ વર્તમાન મીટરોને બદલે સ્માર્ટ મીટર લગાડી દેવાશે
નવી દિલ્હી : પાવર મીનીસ્ટ્રીએ આખા દેશમાં સ્માર્ટ મીટર લગાવવાની ડેડલાઇન નક્કી કરી દીધી છે. આ સ્માર્ટ મીટરમાં પી-પેમેન્ટની સુવિધા હશે જેનો ઉપયોગ સરકારી વિભાગો, વ્યાપારીક હેતુ અને ઔદ્યોગિક એકમો માટે કરવામાં આવશે. પાવર મીનીસ્ટ્રી તરફથી જાહેર કરાયેલ નોટીફીકેશન અનુસાર ખેતી સિવાય દરેક જગ્યાએ આ સ્માર્ટ મીટર પ્રી-પેમેન્ટ મોડમાં કામ કરશે.આ નોટીફીકેશનમાં કહેવામાં આવ્યું છે કે, ડીસેમ્બર-૨૦૨૩ સુધીમાં બધી લોક લેવલ સરકારી ઓફિસોમાં સ્માર્ટ મીટર લાગી જશે. તે પ્રીપેઇડ મીટરની જેમ કામ કરશે. તેનાથી ડીસ્કોમ કંપનીઓની ખોટ ઘટશે. નોટીફીકેશનમાં એ પણ કહેવાયું છે કે સ્ટેટ ઇલેકટ્રીસીટી કમિશન આ ડેડલાઇનને બે વાર વધુમાં વધુ છ મહિના માટે લંબાવી શકે છે. જો કે તેના માટેના વ્યાજબી કારણો પણ દર્શાવવા પડશે. આખા દેશમાં માર્ચ ૨૦૨૫ સુધીમાં પ્રીપેઇડ સ્માર્ટ મીટરો લાગી જશે.નોટીફીકેશન અનુસાર જે પણ યુનિટમાં અર્બન કન્ઝયુમર ૫૦ ટકાથી વધારે હશે અને એટીએન્ડસી લોસીસ ૧૫ ટકાથી વધારે હશે ત્યાં ૨૦૨૩ સુધીમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. બાકીની જગ્યાએ ૨૦૨૫ સુધીમાં લગાવવામાં આવશે.
ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે પ્રીપેઇડ સ્માર્ટ મીટર લાગ્યા પછી ગ્રાહકોએ કેબલ ટીવી અને મોબાઇલ ફોનની જેમ પહેલા વીજળી રિચાર્જ કરાવવું પડશે. રિચાર્જ પુરૃં થતાં જ વીજ સપ્લાય બંધ થઇ જશે. ખાસ પરિસ્થિતિઓમાં ગ્રાહકોનો વીજ સપ્લાય થોડા સમય માટે ચાલુ રાખી શકાશે. વર્તમાન વ્યવસ્થા હેઠળ ગ્રાહકો પહેલા વીજળીનો વપરાશ કરે છે અને બીલ મળ્યા પછી તેનું પેમેન્ટ કરે છે.
પ્રીપેઇડ સ્માર્ટ મીટર લાગ્યા પછી ગ્રાહકોને વીજ બિલ અંગેની સમસ્યાઓથી છૂટકારો મળશે એટલું જ નહીં તેમને પોતાના ઘર, પ્રતિષ્ઠાનમાં વીજળીના વપરાશની પળે પળની માહિતી પણ મળી શકશે. શહેરી વિસ્તારોમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની કસરત શરૂ પણ થઇ ચૂકી છે. સ્માર્ટ મીટરથી વધારે બીલ નહીં આવે. તે ગ્રાહકોને સાચો વપરાશ જ દર્શાવશે. વીજળીના સ્માર્ટ મીટરથી ઘર, પ્રતિષ્ઠાનમાં વીજ વપરાશની પળે પળની માહિતી મળી શકે છે. વીજ બીલ અને મીટર રીડીંગથી છૂટકારો મળશે. ગ્રાહક જાતે પોતાનું વીજળી બીલ રિચાર્જ કરાવી શકશે. સ્માર્ટ મીટર લાગ્યા પછી લો-વોલ્ટેજની સમસ્યાથી છૂટકારો મળશે અને અવિરત વીજ સપ્લાય પણ સુનિશ્ચિત થશે.