ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના તિસ્કરી તલાટ ગામના ખેડૂત ચીમનભાઈ છનાભાઈ ભોયા સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની સાથે સાથે આધુનિક મિશ્રપાક પદ્ધતિ અપનાવી મર્યાદિત જમીનમાં ખેતપેદાશોનું વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે. તેઓ વર્ષો પહેલાથી રાસાયણિક તત્વોનો ઉપયોગ છોડી પ્રાકૃતિક ખેતીને અપનાવી ચૂક્યા છે. હવે તેઓ પ્રાકૃતિક ખેતીની સાથે સાથે આધુનિક મિશ્રપાક પદ્ધતિથી ખેતી કરી સારી આવક પણ મેળવી રહ્યા છે.
ચીમનભાઈ તેમની આંબાવાડીઓમાં આશરે ૩૫ જાતની આંબા કલમો ધરાવે છે. જેમાં માત્ર ગાય આધારિત પ્રાકૃતિક પદાર્થો જેવા કે જીવામૃત અને ઘન જીવામૃતના ઉપયોગ કરી પ્રાકૃતિક અને સ્વાસ્થ્યદાયી કેરીનું ઉત્પાદન થાય છે. તેમણે તેમની મર્યાદિત ખુલ્લી જમીનમાં ડ્રેગન ફ્રુટની સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરવાની શરૂઆત કરી છે. ડ્રેગનફ્રુટની ખેતી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા આ પાકની ખેતીને પ્રોત્સાહન મળે તે માટે બાગાયત વિભાગ દ્વારા આર્થિક સહાય પણ આપવામાં આવે છે.
જે અંતર્ગત આ આદિવાસી ખેડૂતને પણ યોજનાકીય આર્થિક સહાય મળી છે જેથી તેઓને ડ્રેગન ફ્રુટના છોડની ખરીદી અને સિમેન્ટની થાંભલીઓની ખરીદી સરળ બની હતી. પરંતુ સૌથી મહત્વની વાત તેઓ દ્વારા અપનાવવામાં આવેલી મિશ્રપાક પદ્ધતિ છે. હાલમાં તેઓએ ડ્રેગન ફ્રુટની સાથે સાથે મરચાં અને ગલગોટાની સિઝનલ ખેતી કરી છે. જેમાં તેમણે મરચાંનું રૂ. ૧૨૦૦થી રૂ. ૧૫૦૦ પ્રતિ મણ (૨૦ કિલો)ના ભાવે બજારમાં વેચાણ કરી સારી આવક મેળવી રહ્યા છે. જીવાત નિયંત્રણ માટે વાવેલા ગલગોટાના ફૂલોનું સિઝન દરમિયાન સારા ભાવે વેચાણ કર્યું હતું.
ચીમનભાઈએ જણાવ્યું હતું કે, બાગાયત ખાતાની યોજનાની સહાય દ્વારા આ ખેતી કરવી ઘણી સરળ થઈ છે. મિશ્રપાક પદ્ધતિથી ઓછી જમીનમાં બીજા પાકોની ખેતી દ્વારા સારી આવક પણ મળી છે. ગલગોટાની સિઝન પુરી થતાં હવે ફ્લાવરનું વાવેતર પણ કર્યું છે. ડ્રેગન ફ્રુટના ખેતરની ફરતે મલેશિયન ડ્રાફ્ટ નારિયેળી અને કાગદી લીંબુનું વાવેતર કર્યું છે. પ્રાકૃતિક ખેતી કરવા માટે આત્મા પ્રોજેક્ટ હેઠળ ગાય નિભાવ ખર્ચ માટે દર મહિને રૂ.૯૦૦ની સહાય મળે છે. જેના કારણે ગાયને સારો આહાર આપી રહ્યો છું. ગાયના સ્વાસ્થ્યની પણ પુરતી કાળજી લેવામાં આવે છે. ડ્રીપ ઈરીગેશન ઈનસ્ટોલેશન માટે પણ સરકારની યોજના હેઠળ સબસીડી મળી હતી. આ પદ્ધતિ દ્વારા દરેક પાકને પુરતું પાણી મળી રહે છે અને પાણીની બચત પણ થાય છે. દરેક યોજનાઓ ખેડૂતોને પ્રોત્સાહન આપી રહી છે અને તેના કારણે ખેડૂતોને ખેતી કરવી વધુ સરળ બની છે તેથી હું રાજ્ય સરકારનો આભારી છું.
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને રૂ. ૪.૫૦ લાખ સુધીની સહાય મળે છે
ગુજરાત સરકાર દ્વારા આ પાકની ખેતીને પ્રોત્સાહન મળે તે માટે બાગાયત વિભાગમાં જનરલ ખેડૂતોને પ્રતિ હેકટર રૂ. ૩ લાખ અને એસ.સી./એસ.ટી. ખેડૂતોને પ્રતિ હેકટર રૂ. ૪.૫૦ લાખની સહાય આપવામાં આવે છે. બીજા પાકોની સરખાણીએ આ ફળને પાણી અને ઓછી કાળજીની જરૂર રહે છે. ખેડૂત બીજા ત્રીજા વર્ષમાં પોતાનું રોકાણ પરત મેળવી શકે છે.