ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ ગુંદલાવ ધોબીકુવા સુધીનો 701 રાજ્ય ધોરી માર્ગ રૂ.18 કરોડનાં ખર્ચે 10 મીટર પહોળો અને ગુંદલાવ સુધીનો ચતુરમાર્ગી કરવાનો હતો. પરંતુ ડબલ એન્જિન સરકારમાં પણ વિઘ્નો આવતા એકાદ વર્ષથી કામ ખોરંભે પડ્યું હતું. પરિણામે 100 થી વધુ ગામોની જનતા બિસ્માર માર્ગથી પરેશાન હતી.
જે મામલે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈકને કોઈ કારણોસર કામગીરી લંબાતી જતી હતી. દસેક દિવસથી ગુજરાત રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈને આ મામલે અનેક રજૂઆતો થતા તેમણે વલસાડ આરએન્ડબીના કાર્યપાલક ઇજનેર જતીન પટેલને બે થી ત્રણ વખત ટેલીફોનિક સૂચના આપતા તેમણે આજથી કામ ચાલુ થઈ જશે, કાલથી કામ ચાલુ થઈ જશે, કામ શરૂ થઈ ગયું છે, એવું મંત્રી શ્રી સમક્ષ રટણ ચાલુ રાખ્યુ હતું. તેના એક અઠવાડિયા બાદ પણ કામ શરૂ ન થતા એક કાર્યક્રમમાં ખાતમુહૂર્ત માટે પધારેલા મંત્રી કનુભાઈ દેસાઈને વલસાડ તાલુકાના સરપંચો સહિતના અગ્રણીઓએ ખેરગામ રોડનું કામ શરૂ કરાયું નથી તે બાબતે માહિતગાર કર્યા હતા. જોગાનુંજોગ આ કાર્યક્રમમાં કાર્યપાલક ઇજનેર જતીન પટેલ પણ હાજર હોય તેમણે જતિન પટેલને બોલાવી બધાની હાજરીમાં તેમનો ઉધડો લીધો હતો. શા માટે કામ શરૂ કરાતું નથી એવા સવાલો કરાતા કાર્યપાલક ઇજનેર પાસે સંતોષકારક જવાબ રહ્યો ન હતો. તેમણે વનવિભાગની સંમતિનું કારણ દર્શાવતા નાણામંત્રી કાર્યપાલક ઇજનેરની નીતિરીતિથી ખૂબ જ નારાજ થયા હતા જે નારાજગી તેમને જાહેરમાં વ્યક્ત કરી હતી. મંત્રીએ તુરંત વનવિભાગના સચિવ અને આરએનબીના સચિવને ફોન કરી તાત્કાલિક કામ શરૂ કરવાની સૂચના આપતા તાબડતોબ કામ શરૂ કરી દેવાયું હતું. ગત અઠવાડિયાથી અટકેલા કામનું ફરીથી કામ શરૂ કરવામાં આવતા અવરજવર કરતી પ્રજાને ચોમાસા પહેલા કામ પૂરું થવાની આશા બંધાઈ છે.
હાલમાં ચતુર માર્ગી કામ પણ પ્રગતિમાં છે. ગુંદલાવ ખાતે પણ પહોળો કરવાનું કામ પૂરજોશમાં છે. વલસાડ ખેરગામ રોડનું કામ શરૂ થતા લાંબા સમયથી તકલીફ ભોગવતા લોકોમાં રાહત થશે.