ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લામાં મહાશિવરાત્રિ અને હોળી-ધૂળેટીના તહેવારોની ઉજવણી દરમિયાન જિલ્લામાં જાહેર શાંતિ, સલામતી જળવાઇ રહે તે જરૂરી છે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીમતી એ. આર. જહાએ ગુજરાત(મુંબઇ) પોલીસ અધિનિયમ – ૧૯૫૧ની કલમ-૩૭(૩) થી મળેલી સત્તાની રૂએ સમગ્ર જિલ્લામાં તા. ૧૯ માર્ચ, ૨૦૨૪ સુધી સરઘસ કાઢવાની તેમજ સભા ભરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જાહેરનામા અનુસાર જિલ્લામાં તા. ૧૯ માર્ચ સુધી અનઅધિકૃત રીતે/ ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ માણસોની કોઈ સભા કરવી કે બોલાવવી નહી, સરઘસ કાઢવુ નહી કે દેખાવ કરવા નહી.
આ હુકમ સ્મશાન યાત્રા કે એસટી બસ-રેલવેમાં મુસાફરી કરવા માંગતા લોકોને, સક્ષમ અધિકારીની લેખિત પરવાનગી મેળવનાર બોનાફાઈડ વ્યક્તિને તથા સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમો કે અભિયાનોને લાગુ પડશે નહી.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત (મુંબઈ) પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૧૩૫(૩) મુજબ અથવા ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ-૧૮૮ અનુસાર સજાને પાત્ર થશે. જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેકટર કક્ષાના તમામ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.