ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ તાલુકાના ચણવઈ ગામમાં સ્થિત આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે ૫૨ (બાવન) જેટલાં સિકલસેલ ડીસીઝના દર્દીઓની તબીબી તપાસણી થઈ હતી. જેમાં સુરતના બાળ આરોગ્ય નિષ્ણાંત ડો. નિરવ બૂચ દ્વારા દર્દીઓની શારીરિક અને માનસિક તપાસ કરવામાં આવી હતી. આ સિવાય લોહીની તપાસ, હિમોગ્લોબીન, બ્લડ ગ્રુપ અને હિપેટાઇટિસની પણ તપાસ કરવામાં આવી હતી. સિકલસેલ બીમારીનું સાહિત્ય દરેક દર્દીઓને આપવામાં આવ્યું હતું.
ભારત સરકારના સિકલ સેલ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ આ કાર્યક્રમમાં દરેક દર્દીઓને સંતુલિત આહારના જીવંત પ્રદર્શન હેઠળ દર્દીઓને યોગ્ય ખોરાકની સમજૂતી આપવામાં આવી હતી. જેમાં કઠોળ, લીંબુ, આમળાં, સરગવો, મેથી, પાલક, ટામેટાં પ્રદર્શનમાં રાખીને સ્ટાફ દ્વારા પ્રાયોગિક જાણકારી આપી હતી. ટેલિવિઝનના માધ્યમ દ્વારા સિકલસેલ રોગની સમજૂતી, યોગ્ય સાવચેતીનાં પગલા અંગે પણ જાણકારી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જૈવિક ખોરાક તરીકે એક કિલો ગોળ દરેક દર્દીઓને ભેટ રૂપે આપવામાં આવ્યો હતો. સિકલસેલ ડીસીઝ ધાત્રી માતાનો જન્મદિવસ પણ આ કેમ્પમાં ઉજવવામાં આવ્યો હતો. દર્દીઓને થતી તકલીફ માટે સુરત ખાતે પણ જરૂરી દર્દીઓને આગળની તપાસ માટે આયોજન થયું હતું. વધુ તપાસ માટે જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યાં હતા. દરેક દર્દીઓને ફોલિક એસિડ, મલ્ટી વિટામિન અને હાઇડ્રોક્સી યુરીયા દવા નિ:શુલ્ક આપવામાં આવી હતી. રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી મળતી દરેક સહાય અંગે પણ માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે આયુષ્યમાન આરોગ્ય મંદિર ચણવઇના દરેક સ્ટાફે જહેમત ઉઠાવી હતી. ડૉ. નિરવ બૂચ મારફત સિકલ સેલનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યુ હતું.