પત્રકાર વેલફેર એસીસીએશન વલસાડ આયોજિત મીડિયા એવોર્ડ સમારંભ નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રીશ્રી કનુભાઇ દેસાઇના અધ્યક્ષસ્થાને મોરારજી દેસાઇ ઓડીટોરીયમ ખાતે યોજાયો હતો.
આ અવસરે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, પત્રકાર અને મીડિયા જગત સાથે જુનો નાતો છે, વલસાડ જિલ્લાના પત્રકારોનો સારો સહયોગ મળી રહ્યો છે. કોરોના કાળમાં હોસ્પિટલ અને સંસ્થાએ ખૂબ જ સારી કામગીરી કરી છે , જે બદલ તેઓ અભિનંદન ને પાત્ર છે, જેમનું સન્માન અન્ય માટે પ્રેરણા રૂપ બને છે, જાગૃત સમાજ તેની નોંધ લે છે. પત્રકાર વેલફેર એસોસીએશને મીડિયાના મિત્રોનું સન્માન કર્યું છે જેઓની કામગીરીથી હું વાકેફ છું. વલસાડ જિલ્લાનું પત્રકારત્વ ખૂબ જ સુંદર રીતે ચાલી રહ્યું છે. પત્રકારત્વને વધુ ઊંચું લઈ જવું હોય તો હંમેશા સાચી અને સત્ય ઘટના હોય એને વધુ સારી રીતે ચિતાર આપીને સમાચારો રજૂ કરવા જોઈએ, તેમ જણાવી પત્રકાર વેલ્ફેર એસોસિએશન હમેશા આ પ્રકારનું કામ કરતું રહે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
કાર્યક્રમના પ્રારંભે એસોસિએશનના કાર્યદક્ષ પ્રમુખ હર્ષદ આહિરે તમામ મહેમાનોને આવકારી એસોસિએશન દ્વારા થતી કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો. સાથે આ એવોર્ડ ફંક્શનનું મહત્વ સમજાવી તમામ પત્રકારોને પ્રોત્સાહિત કર્યા હતા.
વલસાડ ધારાસભ્ય ભરતભાઇ પટેલે મીડિયાકર્મીઓને ઊંડાણમાં જઈને સત્ય બહાર લાવી પ્રજા સમક્ષ લાવવાનો પ્રયત્ન કરવા અને સત્યને લક્ષમાં રાખી સમાચાર આપવા જણાવ્યું હતું. અમારી કે સરકારની કોઈ ભૂલ થતી હોય તો તેનું અવશ્ય ધ્યાન દોરવા જણાવ્યું હતું.
નાયબ પોલીસ અધિક્ષક એમ.એન.ચાવડાએ સમાજના હિત માટે સાચી માહિતી આપવા માટે પત્રકારોનું યોગદાન રહ્યું છે. વલસાડ જિલ્લાના પત્રકારોએ પોલીસ વિભાગને પૂરતો સહકાર મળ્યો છે, જે બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
વલસાડ જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારાએ જણાવ્યું હતું કે, પત્રકાર સંઘ દ્વારા મીડિયામાં વિવિધ પ્રશ્નોને વાચા આપનારને સન્માન કરી સેવાઓ થકી માનવતાની મહેક ફેલાવનારનું સન્માન આપી કદર કરવામાં આવી છે, જે અભિનંદનીય છે. કોરોના મહામારીમાં રસીકરણ લેવા માટે સાચી સમજ આપી જાગૃત કર્યા છે. કેન્દ્ર સરકારે કોરોના મહામારીમાં રસી શોધી ભારતને વિશ્વમાં નામના અપાવી છે જેના થકી આપણે કોરોના સામે સુરક્ષિત રહી શક્યા છીએ. કેન્દ્રની સરકારે મફત અનાજ વિતરણની યોજના થકી ગરીબ જરૂરિયાતમંદ લોકોને ભૂખ્યા સુવા દીધા નથી.
ગૌરવભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, સારું કામ કરનારનું સન્માન કરવામાં આવે તો તેને વધુ સારું કરવાની પ્રેરણા મળે છે. સારું કરતા સાચું કરવાથી સમાજનું ભલું થાય છે. પત્રકારીત્વમાં અનેકગણી તાકાત હોય છે. અસત્ય સામે લડીશું તો જ સત્યની જીત થશે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. વલસાડ જિલ્લાને શોભે એવી કામગીરીમાં મીડિયા કામગીરી કરી રહ્યું છે. જે અભિનંદનને પાત્ર છે.
પત્રકાર વેલફેર એસોસિએશનના ઉપપ્રમુખ અપૂર્વ પારેખે આભારવિધિ આટોપી હતી. મીડીયાકર્મીઓએ સારી સ્ટોરી કરી એન્ટ્રી નોંધાવી તેમજ વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનારનું સન્માન કરવાનો અવસર મળ્યો જે માટે આનંદની લાગણી અનુભવુ છું, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
મીડિયા એવોર્ડ સમારોહને સફળ બનાવવા માટે પત્રકાર વેલ્ફેર એસોસિયેશનના હર્ષદ આહીર, અપૂર્વ પારેખ, હસીનભાઈ શેખ, નિમેષભાઈ પટેલ, મુકેશભાઈ દેસાઈ, બ્રિજેશ શાહ, વિજયભાઈ યાદવ, દિપકભાઈ આહીર, પ્રેમ મલાણી, આઝાદ રાઠોડ, અક્ષય કદમ, તરુણ નાયકા સહિત તમામ સભ્યોએ ખૂબ મહેનત કરી હતી.
વલસાડ જિલ્લાનાં વિશેષ વ્યક્તિઓના પણ સન્માન કરાયા.
પત્રકાર વેલફેર એસોસિયેશન દ્વારા વ્યક્તિ વિશેષના પણ સન્માન આપવામાં આવ્યા હતા. જેમાં વલસાડની આરએનસી ફ્રી આઈ હોસ્પિટલના ડોક્ટરની ટીમ અને ભરતભાઈ દેસાઈ, લોક મંગલમ ટ્રસ્ટ દ્વારા ધરમપુર તાલુકાના ખોબા ગામની કાયાપલટ કરનારા નીલમભાઈ પટેલ, અતુલ રૂરલ ફંડના સ્વાતિબેન, ટિમ કસ્તુરબા હોસ્પિટલ અને વાપીની જનસેવા હોસ્પિટલના નિમિષભાઈ દેસાઈ, જીવદયા માટે પોતાનું જીવન સમર્પિત કરનારા વાપીના ટીંકુ મેમોરિયલ ટ્રસ્ટના શીતલબેન અને નિલેશભાઈ રાયચુરા, રંગભૂમિને જીવંત રાખનારા વલસાડના સતિષભાઈ દેસાઈ, વિવિધ સિદ્ધિઓ હાંસલ કરનારા વલસાડના સોનલ બલસારાને સન્માનિત કરાયા હતા.
આ ઉપરાંત વલસાડથી પત્રકારત્વ શરૂ કરી રાજ્ય લેવલ કે દિલ્હી સુધી પહોંચનારા વલસાડના પત્રકારો જીગ્નેશ સોલંકી, જય પટેલ, ફૈઝલ બકીલી, જીગ્ના રાજગોર, મયુર પટેલને પણ વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું.
કોને કોને મળ્યાં પ્રિન્ટ મીડિયાનાં એવોર્ડ
બેસ્ટ હ્યુમન સ્ટોરી- ૨ કેટેગરીમાં ધરમપુરની 62 વર્ષીય દિવ્યાંગ મહિલાની અનોખી સેવા: મહિલા દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવે છે. (રફીક શેખ, દિવ્યભાસ્કર, ધરમપુર) બેસ્ટ હ્યુમન સ્ટોરી-૧ માં ભરચોમાસે ચેપા ગામના લોકો વેરીમાંથી ગંદુ પાણી પીવા મજબૂર ફિરોઝ સિંધી, વલસાડ) બેસ્ટ ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરી-૨ માં મુંબઇ સુરત વચ્ચે 48 રેલવે ઓવરબ્રિજમાંથી હજુ સુધી માત્ર બે જ બન્યા (કેતન ભટ્ટ, દિવ્યભાસ્કર) બેસ્ટ ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરી- ૧ માં દોઢ વર્ષમાં કોરોનામાં સૌથી વધુ 1 થી 20 વયજુથના 43.97 ટકા સપડાયા (હસીન શેખ, દિવ્યભાસ્કર), બેસ્ટ પોઝિટીવ સ્ટોરી -૩માં, કમાન્ડ એન્ડ કંટ્રોલ ટીમની કામગીરી : વલસાડમાં વાહનમાંથી પડી થયેલું પર્સ અને લેપટોપ પરત કરાયું (ચેતન મહેતાં દિવ્યભાસ્કર) બેસ્ટ પોઝિટીવ સ્ટોરી-૨ માં વલસાડના એક ગામના 45 થી વધુ કોરોના વોરિયર્સ કરી રહ્યાં છે દેશસેવા (તેજસ દેસાઈ ઇટીવી ભારત), બેસ્ટ પોઝિટીવ સ્ટોરી-1 માં અજાણ્યા બે યુવાનોને મુસ્લિમ યુવાને રોજા તોડી પ્લાઝ્મા ડોનેટ કરી નવજીવન બક્ષ્યું (ઉજ્જવલ પટેલ, દિવ્યભાસ્કર) બેસ્ટ ફોટો સ્ટોરી-૨ માં ઓક્સિજનનો રસ્તો : ધરમપુરથી વિલસન હિલ જતો રસ્તો ચારેકોરથી ઓક્સિજન (રફીક શેખ-દિવ્યભાસ્કર), બેસ્ટ ફોટો સ્ટોરી-૧ માં લાશ વહન કરતાં અમને પણ થાક લાગે છે (ઉજ્જવલ પટેલ દિવ્યભાસ્કર), હટકે સ્ટોરીમાં જલક્રાંતિથી જનક્રાંતિ સુધી : રૂ .10 લાખના ખર્ચે 51 ચેકડેમ બનાવી વર્ષે 10 કરોડનો ફાયદો મેળવનાર જામકા આખા દેશને રાહ ચીંધે છે (મહેશ ટંડેલ, લોકજનશક્તિ) ને એવોર્ડ પ્રાપ્ત થયો હતો.
કોને કોને મળ્યાં ઇલેક્ટ્રોનિક મીડિયાનાં એવોર્ડ
બેસ્ટ ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરી- 3 કેટેગરીમાં વલસાડ જિલ્લામાં કોરોના બેફામ: દૈનિક 125 કેસો : ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ (મયુર જોશી, મંતવ્ય ન્યુઝ), બેસ્ટ ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરી -2 માં વલસાડના તળાવો કોણ ખાઈ ગયું? (ન્યુઝ સ્ટેશન, નીરવ પિત્રોડા), બેસ્ટ ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરી- ૧ માં ઉમરગામના લોકો શું ઈચ્છે છે? વિકાસ ક્યાં અટકે છે ? ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ (બ્રિજેશ શાહ, એબીપી ગુજરાતી), બેસ્ટ હ્યુમન સ્ટોરી- ૨ માં કમોસમી વરસાદે ખેડૂતોને રડતાં કર્યા: કપરાડામાં શિયાળાની શાકભાજીના પાકને ભારે નુકશાન (જગદીશ બાંગે, ઇન ન્યુઝ ગુજરાત ) બેસ્ટ હ્યુમન સ્ટોરી-૧ માં એક એવું ગામ જ્યાં યુવાનને પરણવા કોઈ યુવતી તૈયાર નથી (મયુર જોશી, મંતવ્ય ન્યુઝ) બેસ્ટ પોઝિટીવ સ્ટોરી-૨ માં વાપીમાં સૌરઉર્જાથી વિજઉત્પાદન (બ્રિજેશ શાહ, એબીપી ગુજરાતી) બેસ્ટ પોઝિટીવ-૧ માં વલસાડમાં એક યુવાને કર્યું કંઈક એવું કે જોઈને તમે પણ દંગ રહી જશો (તરુણ નાયક, વલસાડ) હટકે સ્ટોરીમાં પરિવારમાં 12 સભ્યો છતાં મળ્યો એક જ મત, (કૌશિક જોશી, ગુજરાત તક) બેસ્ટ વિડીયો ફૂટેજમાં કોલક નદી પર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ, ચોમાસાના પાણીના દ્રશ્યો (પ્રિયંક પટેલ, જીએસટીવી) ને એવોર્ડ પ્રાપ્ત થયા હતા.