ગુજરાત એલર્ટ । વલસાડ
સરકાર દ્વારા થતા પ્રજાહિતના કાર્યમાં પત્રકારોની અહમ ભૂમિકા રહેલી છે. સમાજ જીવનના પ્રશ્નોને ઉજાગર કરતા પત્રકારોના કારણે જ સરકારને તેની ક્ષતી સુધારવામાં મદદરૂપ બને છે. વલસાડના પત્રકારો આ અંગે ખૂબ સજાગ અને સક્રિય છે. એવું વલસાડ પત્રકાર વેલફેર એસોસિએશન આયોજિત મિડિયા એવોર્ડ 2024માં ગુજરાત સરકારના નાણાં અને પેટ્રો કેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતુ.
આ પ્રસંગે ઇલેક્ટ્રોનિક્સ મિડિયાના દિગ્ગજ ગણાતા એબીપી અસ્મિતાના ચેનલ હેડ અને હું તો બોલીશ નામના કાર્યક્રમ થકી ભરપૂર નામના મેળવનાર રોનકભાઇ પટેલે જણાવ્યું કે, પત્રકાર કોઇનો હોતો નથી. પત્રકાર પત્રકાર જ હોય છે. જ્યારે પત્રકાર કોઇ સમાચાર લખે ત્યારે, તેની વ્યક્તિ કે સંગઠન પર નેગેટિવ ઇફેક્ટ આવે તો તેના માટે નેગેટિવ ન્યૂઝ હોઇ શકે અને પોઝિટીવ અસર થાય તો એ પોઝિટીવ ન્યૂઝ હોય શકે, પરંતુ પત્રકાર માટે એ માત્ર અને માત્ર ન્યૂઝ જ હોય છે. વલસાડના પત્રકારો અંગે રોનકભાઇ પટેલે વધુમાં જણાવ્યું કે, વલસાડ તેમની કર્મભૂમિ રહી છે. તેમણે પ્રિન્ટ મીડિયાના પત્રકારત્વ અંગે નિખાલસતાથી જણાવ્યું કે, તેઓ શોધી શોધીને ન્યુઝ લખે છે. જેમના ન્યૂઝ વાંચીને તેમણે અનેક સ્ટોરી કરી છે. ઇલેક્ટ્રોનિક્સ મિડિયાના આ મુકામ પર પહોંચવામાં પ્રિન્ટ મિડિયાના પત્રકારોનો પણ એટલો જ ફાળો છે.
આ પ્રસંગે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મેમ્બર ગૌરવભાઇ પંડ્યાએ વાંદરા અને સિંહના દ્રષ્ટાંત થકી પત્રકારની તાકાતની વાત કરી હતી. વાંદરો જ્યારે સિંહને તમાચો મારીને ભાગી જાય તેમાં સિંહને મોટી ઇજા નથી થતી, પરંતુ જ્યારે આ ખબર પ્રકાશિત થતા સિંહને ખબર પડે ત્યારે સિંહની પ્રતિષ્ઠાને જે નુકશાન થાય એ સિંહની શારીરિક ઇજા કરતા વધુ હોય છે. પત્રકારોની તાકાતની વાત કરતાં વધુમાં જણાવ્યું કે, તેઓ શબ્દો વડે ખામીને ખૂબીમાં અને ખૂબીને ખામીમાં પરિવર્તિત કરી શકે છે. તેમણે એવોર્ડ સમારંભમાં પોતે પત્રકાર માતા પિતાના સંતાન હોવાની વાત કહી પત્રકારોની કામગીરીને બિરદાવી હતી.
વલસાડ એસપી ડો. કરનરાજ વાઘેલાએ પણ વલસાડના પત્રકારોની કામગીરીને વખાણી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ફરજ બજાવી છે, પરંતુ આ પ્રકારનો પત્રકારોને બિરદાવતો એવોર્ડ સમારંભ વલસાડમાં પ્રથમ વખત જોયો છે. જે ખૂબ કાબિલેદાદ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, વલસાડના પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ કે ડિજીટલ મિડિયાના પત્રકારો અનેક ન્યૂઝ દ્વારા પોલીસની કામગીરીને વખાણે છે અને જરૂર હોય ત્યાં ધ્યાન દોરે છે. જિલ્લાની અનેક ઘટનાઓમાં તેમણે મિડિયાના અહેવાલ બાદ પગલાં ભર્યા હતા. તેમજ તેમણે પોલીસની પણ કોઇ ભૂલ હોય તો ધ્યાન દોરવા પત્રકારોને અપીલ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પ્રમુખ હેમંતભાઇ કંસારાએ પણ મિડીયા એવોર્ડના આ કાર્યક્રમને વધાવી લીધો હતો. સતત સક્રિય રહેતા પત્રકારોની કામગીરીને તેમણે બિરદાવી હતી. તેમજ કોઇ પણ વિકાસ કાર્યમાં પત્રકારોનો પણ એટલો જ ફાળો હોવાનું તેમણે જણાવ્યું હતુ.
આ પ્રસંગે વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ સોનલબેન સોલંકીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, પત્રકારે મર્યાદિત કોર્ષ વિના રોજ પરિક્ષા આપવાની હોય છે. જેમાં વલસાડના પત્રકારો ખરા ઉતર્યા છે. આજના ડિજીટલ યુગમાં પણ પેપર અને ચેનલનું એટલું જ મહત્વ હોય છે. આજે પણ લોકો પત્રકારોના લખાણ પર એટલો જ વિશ્વાસ કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં આવા પત્રકારોને સન્માનિત કરવાની કામગીરીને પણ તેમણે બિરદાવી હતી.
પત્રકાર વેલફેર એસોસિએશન વલસાડના આ મિડિયા એવોર્ડ સમારંભમાં એસોસિએશનના પ્રમુખ હર્ષદ આહિરે ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતુ. કાર્યક્રમની રૂપરેખા પ્રોજેક્ટ ચેરમેન અપૂર્વ પારેખે આપી હતી. કાર્યક્રમનું સંચાલન ડો. બ્રિજેશ શાહે કર્યું હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવામાં હસીન શેખ, નિમેષ પટેલ, નીરવ પિત્રોડા, મુકેશ દેસાઈ, અક્ષય કદમ, આઝાદ રાઠોડ, દિપક આહીર, વિજય યાદવ, પ્રેમ મલાણી, ફિરોઝ સિંધી, માસૂમ કાઝી સહિતના એસોસિએશનના તમામ સભ્યે ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા ભાજપના મહામંત્રીઓ કમલેશભાઇ પટેલ, શિલ્પેશ દેસાઇ અને મહેન્દ્ર ચૌધરી, ઉપપ્રમુખ જિતેષ પટેલ, ગુજરાત રાજ્ય ખેતી બેંકના વાઇસ ચેરમેન જીવાભાઇ આહિર, માહિતી ખાતાના અક્ષય દેસાઇ અને હિમેશ પટેલે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પત્રકારોના આ કાર્યક્રમને બિરદાવ્યો હતો. બિલ્ડરો મિરાજભાઇ વશી, કાળુભાઇ આહિર, ભરતભાઇ મેર, ચંદ્રેશભાઇ ભાનુશાળી, પાલિકાના માજી સભ્ય ઝાકિર પઠાણ, યુવા ભાજપ ઉપપ્રમુખ ભાસિન દેસાઇ, એબીવીપીના કેવીન પટેલ સહિત અનેક વિવિધ ક્ષેત્રના ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
વિશિષ્ટ નાગરિકોનું પણ કરાયું સન્માન
વલસાડ પત્રકાર વેલફેર એસોસિએશન આયોજિત મિડિયા એવોર્ડ 2024 માં વલસાડ જિલ્લાના કેટલાક વિશિષ્ટ નાગરિકોનું પણ સન્માન કરાયું હતુ. જેમાં પત્રકારત્વ ક્ષેત્રના બે વરિષ્ઠ પત્રકાર, આરોગ્ય ક્ષેત્રમાં અમુલ્ય સેવા આપનાર, સાહિત્ય અને સેવાના ક્ષેત્રમાં વિષિષ્ટ સેવા આપનાર અને બાર કાઉન્સિલમાં નામના મેળવનાર સહિત તમામને જ્વેલ ઓફ વલસાડ તરીકે સન્માનવામાં આવ્યા હતા.
-પદ્મશ્રી, ડો. યઝદી ઇટાલિયા, સિકલસેલ રોગ સહિત આરોગ્ય ક્ષેત્રની વિશિષ્ટ કામગીરી માટે
-ડો.આશાબેન ગોહિલ, સાહિત્યિક, સેવા અને ગૌદાનના વિશિષ્ટ કાર્ય માટે
-પી.ડી. પટેલ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં મહત્વનો હોદ્દો મેળવવા માટે
-હનિફ મેહરી, પત્રકારત્વના ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી બદલ
-દેવાંશુ દેસાઇ, પત્રકારત્વના ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી બદલ
કોને કોને એવોર્ડ મળ્યા
બેસ્ટ હ્યુમન સ્ટોરી-
ભરત પાટીલ, દમણગંગા ટાઇમ્સ, ધરમપુર, ધરમપુરના ઢાકવળમાં રસ્તાના અભાવે પ્રસુતાને 3 કિમી ઝોળીમાં લઇ જવી પડી અને ઉત્પલ દેસાઇ, સંદેશ, વલસાડને નવજાત શિશુને ત્યજી દેવા પાછળ સગીરાઓ દ્વારા નાદાનિયતમાં ભરાતું પગલું જવાબદાર
બેસ્ટ ઇન્વેસ્ટીગેટીવ સ્ટોરી-
કેતન ભટ્ટ, દિવ્ય ભાસ્કર વાપી, રાજ્ય કક્ષાના સ્વતંત્રતા પર્વની જિલ્લામાં ઉજવણી છતાં તંત્ર પાસે સ્વાતંત્ર્ય સેનાની ઓની યાદી નથી અને હસીન શેખ, દિવ્ય ભાસ્કર વલસાડ, રૂ. 675 કરોડની સિવિલમાં 10 સબ પેટી સળી ગયેલી, બચેલી 4 પણ કટાઇ ગયેલી
બેસ્ટ ઇમ્પેક્ટ સ્ટોરી-
નિમેશ પટેલ, ગુજરાત સમાચાર, વલસાડ- ધરમપુરના નડગધરી ગામે પ્રાથમિક શાળામાં ભગત બોલાવી રસોઇયાએ 12 મરઘા અને બકરાની બલી ચઢાવવાના પ્રકરણમાં ફરિયાદ નોંધાઇ અને યોગેન્દ્ર પટેલ, દિવ્ય ભાસ્કર, વાપી- ઉમરગામમાં સામાજીક બહિષ્કારના ડરે 4 વર્ષથી અટકેલા લગ્ન લેવાયા
બેસ્ટ પોઝિટીવ સ્ટોરી-
ઉજ્વલ પટેલ, દિવ્ય ભાસ્કર પારડી, હાઇરાઝઇ બિલ્ડીંગમાં આગ જેવી ઘટનામાં જીવ બચાવવા માટે પ્રાથમિક શાળાના બાળકે વિશેષ કૃતિ બનાવી અને મનોજ ભંડારી, દમણગંગા ટાઇમ્સ વાપી, 6 વર્ષમાં 4763 મૃતદેહોના ગેસથી અગ્નિ સંસ્કાર થકી અંદાજે 952600 કિલો લાકડાની બચત
બેસ્ટ સોફ્ટ સ્ટોરી-
ફિરોઝ સિંધી, ગુજરાત મિત્ર વલસાડ, સીએમ ભુપેન્દ્રભાઇએ બાળપણનો દાયકો વલસાડના વાણિયાવાડમાં વિતાવ્યો હતો અને કમલેશ હરિયાવાલા, દમણગંગા ટાઇમ્સ વલસાડ, બલુચિસ્તાનમાં હિંગરાજ માતાનું મંદિર તોડી પાડ્યા બાદ એની સમકક્ષ હવે ભદેલી જગાલાલાનું મંદિર જ શ્રધ્ધાનું કેન્દ્ર
બેસ્ટ ફોટો સ્ટોરી-
હિમાંશુ પંડ્યા, દિવ્ય ભાસ્કર વાપી – ભાજપની બેઠકો કરતા રોડ પર ખાડાઓ વધુ ઉપરાંત કોણ રોકશે ક્વોરીની ખાણનો ડ્રોન ફોટો, બાબુ ચૌધરી, દમણગંગા ટાઇમ્સ કપરાડા – દેવ ધનુષ્ય કે, સિતા માતાની ચૂંદડી સૂકવે છેના ફોટોને
હટકે સ્ટોરી-
રફિક શેખ, દિવ્ય ભાસ્કર, ધરમપુર – ધરમપુરના બામટી માર્કેટમાં હાથના ઇશારે, કેરીના સોદા આજે પણ થાય છે, મહેશ ટંડેલ, લોકજનશક્તિ ધરમપુર- વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા અને ઉમરગામમાં બાળકોને ભણાવવા પહેલા શિક્ષકો શિખે છે સ્થાનિક ભાષા
નવસારી ડાંગની પ્રિન્ટ મિડિયા કેટેગરીના એવોર્ડ
બેસ્ટ હ્યુમન સ્ટોરી-
મેહુલ પટેલ, દિવ્ય ભાસ્કર, વાંસદા – દિકરીની અણધારી વિદાયથી માતાનો અનોખો સેવા યજ્ઞ
બેસ્ટ ઇન્વેસ્ટીગેટીવ-
રત્નાકર દુષાણે, ગુજરાત સમાચાર, નવસારી- પાકિસ્તાનના પાવર ઓફ એટર્નીના આધારે નવસારીના અધિકારીઓની મિલી ભગતમાં 7 દસ્તાવેજ નોંધાયા અને મેહુલ પટેલ, દિવ્યભાસ્કર, વાંસદા- નળ કપટ નવસારીના 289 ગામોમાં નળથી જળ માટે 84.83 કરોડનો ખર્ચ પણ સૌથી વધુ ગામોમાં નથી જળ
બેસ્ટ ઇમ્પેક્ટ સ્ટોરી-
સોમનાથ પવાર, દિવ્ય ભાસકર, આહવા- ડાંગ જિલ્લામાં આવાસના લાભાર્થીઓ પાસેથી ઓડિટના નામે હપ્તા દિઠ રૂ. 1500ની લૂંટ અને સુનિલ ડાભી, દિવ્ય ભાસ્કર, વાંસદા- મેડિકલંક મેડિકલ સ્ટોર્સમાં પ્રિક્રિપ્શન વિના વિક્સની ગોળીની જેમ ગર્ભપાતની દવાઓ વેંચાય છે
બેસ્ટ સોફ્ટ સ્ટોરી-
વિમલસિંહ ઠાકોર, દિવ્ય ભાસ્કર, સેલવાસ- દાદરા નગર હવેલીમાં આદિવાસીઓનું પરંપરાગત વાદ્ય તારપે બચાવવાનો પ્રયાસ
બેસ્ટ ફોટો સ્ટોરી-
સોમનાથ પવાર, દિવ્ય ભાસકર, આહવા- નવી આશા નવી ઉમંગ, સૂર્યાસ્તનો ફોટો
હટકે સ્ટોરી-
દેવાનંદ મહાનામા, આક્રોષ, સેલવાસ- ઇલેક્ટ્રોનિક્સ મિડિયા કી મસાલા ખબરો પર પાઠકો કે શિફ્ટ હોને સે અખબારો કા વજુદ હો રહા હે ખતમ
ઇલેક્ટ્રોનિક્સ મિડિયાની બેસ્ટ સ્ટોરીઝ
બેસ્ટ હ્યુમન સ્ટોરી-
મયુર જોષી, મંતવ્ય ન્યુઝ, વલસાડ- ધરમપુરના ઢાકવળમાં ગર્ભવતી મહિલાઓને ઝોળીમાં લઇ જવું પડે છે અને ચેતન મહેતા, દિવ્ય ભાસ્કર વેબ પોર્ટલ, વલસાડ- કપરાડામાં કોઝ વે ના અભાવે સ્થાનિકો જીવના જોખમે ધસમસતા પાણીમાં નદી પસાર કરે છે
બેસ્ટ ઇન્વેસ્ટીગેટિવ સ્ટોરી-
અક્ષય કદમ, ટીવી9, વલસાડ- વલસાડમાં સીએમ એ લીલી ઝંડી બતાવેલી તમામ સિટી બસો ખખડધજ હાલતમાં અને બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ – વલસાડમાં વધુ એક ભ્રષ્ટાચારનો બ્રિજ, કાંપરીનો બ્રિજ બેસી ગયો
બેસ્ટ ઇમ્પેક્ટ સ્ટોરી-
કૌષિક જોષી, આજતક, વલસાડ – ધરમપુરમાં મરઘા બલી પ્રકરણમાં આખરે ફરિયાદ દાખલ કરાઇ અને પ્રિયાંક પટેલ, જીએસ ટીવી, વલસાડ – ધરમપુરના નાસિક સાથે જોડતો નેશનલ હાઇવે વાહન ચાલકો માટે જોખમી બનતા કરાઇ કાર્યવાહી
બેસ્ટ પોઝીટીવ સ્ટોર-
તેજસ દેસાઇ, ઇટીવી ભારત, વલસાડ- ડીજે ના ઘોંઘાટ વચ્ચે ઢોલકનું અસ્તિત્વ કાયમ અને યશરાજસિંહ ઠાકુર, પીએન ન્યુઝ, વલસાડ- જય અંબે ઇન્ટરનેશનલ શાળામાં પહેલી રોટી ગાય કો, કાર્યક્રમ થકી બાળકોમાં સંસ્કારનું સિંચન
સોફ્ટ સ્ટોરી-
યોગીતા પટેલ, દુરદર્શન, આહવા ડાંગ- લુપ્ત થતું ગુજરાતનું વાદન એટલે ડાંગનું દેરા વાદન
હટકે સ્ટોરી-
નિલેશ ગામિત ટીવી9, નવસારી- છત્તીસગઢની સોના પારખુ જાતિ ધુળમાંથી શોધી કાઢે છે સોનુ
બેસ્ટ વિડિયો ફૂટેજ-
નિરવ પિત્રોડા, એબીપી અસ્મિતા, વલસાડ – વિલ્સન હિલના ચોમાસાના માહોલના વિડિયો
ઉમેષ પટેલ, ઝી ગુજરાતી, વલસાડ – જીવના જોખમે અંતિમ સંસ્કાર કરવાની નોબત