ગુજરાત એલર્ટ । વલસાડ
પુસ્તકો પ્રત્યે લોકોમાં પ્રેમ વધે અને વધુમાં વધુ લોકો પુસ્તકો વાંચતા થાય તેવા શુભ આશયથી વલસાડ તાલુકાના બીનવાડા ગામમાં સખ્ય વાટિકા ખાતે પુસ્તક પરિચયના ૨૪ માં મણકાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય વક્તા તરીકે અમલસાડના દેવધા ગામના વતની એવા લેખક જય વશી ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં જેમને પુસ્તક વિશે વાત કરવી હોય તેઓ એમના વંચાયેલા પુસ્તક વિશે બુક રિવ્યુ આપે છે અને થોડો સમય ચર્ચાનો રહે છે જેમાં શ્રોતાઓ પૂર્તિ પણ કરે છે. પુસ્તક પરિચય સમયે પુસ્તકમાં કોઈ શ્રોતાને રસ પડે તો તે વાંચવા માટે ઘરે પણ લઈ જાય છે. આમ આ કાર્યક્રમ દ્વારા એકમેકને ગમતાં પુસ્તકો વાંચવા માટે લોકો પ્રેરિત પણ થાય છે. આ કાર્યક્રમ વલસાડના પ્રા.ડૉ.આશા ગોહિલ તથા સમગ્ર ગ્રૂપ દ્વારા છેલ્લા બે વર્ષથી દર મહિને યોજાઈ રહ્યો છે. પુસ્તકો સંદર્ભે અલગ દૃષ્ટિકોણ અપનાવી નવી પહેલ કરનાર જય વશીના વક્તવ્યમાં લેખક તથા એક ચિંતક તરીકેના એમના વ્યક્તિત્વની વિશેષ ઝાંખી જોવા મળી હતી.
આ કાર્યક્રમમાં સુથારપાડાના ગીરનારાથી વર્ષાબેન, કપરાડાથી પ્રિ.વસંત પાઠક, સીઆરસી મહેશ ગાંવિત, ધરમપુરના જાગીરીથી બાબલભાઇ, શીતલબેન, ચીખલીથી ટીના પટેલ, પમરાટ ગ્રૂપના આચાર્યશ્રીઓ, અતુલ કલ્યાણી શાળાના વિદ્યાર્થીઓ, ભીલાડના એકલારાથી અરૂણ પટેલ, નિવૃત્ત અધિકારીઓ ઉપરાંત હાલમાં મામલતદાર, ડીવાયએસપી જેવા હોદ્દાઓ જવાબદારીપૂર્વક સંભાળનાર વ્યક્તિઓ એમના મિત્રો સાથે ઉપસ્થિત રહ્યા હતા. આજ દિન સુધીમાં ૧૫૦ થી વધુ પુસ્તકો પર પુસ્તક પરિચય કાર્યક્રમ દરમ્યાન વાતો થઈ હતી.