ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડના રાબડા ગામે લીલીછમ વનરાઈ અને પ્રકૃતિના અનુપમ સૌદર્ય વચ્ચે ધરતી પર સ્વર્ગની અનુભૂતિ કરાવતું માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામે મહાશિવરાત્રીના પવિત્ર દિને શિવલિંગની પૂજા અર્ચના કરીને ઉજવણી કરવામાં આવી હતી. અલૌકિક એવા આ ધામમાં શિવલિંગ તથા માં વિશ્વંભરીના દર્શન કરવા દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડી છે.
પાર નદીના કિનારે આવેલા આ ધામના પ્રાકૃતિક વાતાવરણમાં નાના-મોટા એમ દર્શને આવતા સહુ કોઈ ખુબજ શાંતિ અને આનંદની અનુભૂતિ થાય છે. શ્રધ્ધા સાથે સત્યનો સ્વીકાર કરાવવા જ્યાં ખુદ માતા વિશ્વંભરી ચૈતન્ય સ્વરૂપે બિરાજમાન છે તેવા આ ધામની અદભુત રચના ખરેખર પૃથ્વી પર સ્વર્ગલોક સમાન અનુભવ કરાવે છે તેમજ જીવનમાં સાચી શાંતિ-સુખાકારી પ્રાપ્ત થાય છે. આ તીર્થયાત્રા ધામ સમસ્ત જગતના માનવીઓને પરમતત્વ-માં વિશ્વંભરીનો દિવ્ય સંદેશ “અંધશ્રધ્ધા છોડીને ઘર તરફ પાછા ફરો અને ઘરને જ મંદિર બનાવો”, મૂળભૂત ભક્તિનો રાહ બતાવી રહ્યું છે તેમજ કોઈપણ ન્યાત-જાત, ઉચ-નીચ, સ્ત્રી-પુરુષ કે અમીર-ગરીબના ભેદભાવ વગર સનાતન વૈદિક ધર્મનો રાહ અને સત્ય-અસત્યનો ભેદ બતાવી રહ્યું છે. અલૌકિક એવા આ ધામમાં જ્ઞાન, ભક્તિ અને કર્મનો ત્રિવેણી સંગમ થયેલો જોવા મળી રહ્યો છે. આ ધામના વિશાળ પરીસરમાં ચારેબાજુએ નારી આંખે જોવા મળતી સ્વચ્છતાથી “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” પ્રચલિત કહેવત અહિયાં સાર્થક થયેલી જોવા મળે છે.