વલસાડના વાંકલમાં મહાશિવરાત્રિ મહોત્સવ: શિવ કથાકાર બટુકભાઇ વ્યાસ દ્વારા નિર્મિત સૌથી ઊંચા રુદ્રાક્ષ મહાશિવલિંગ નિર્માણની તડામાર તૈયારીઓ શરૂ

ગુજરાત એલર્ટ | વલસાડ
રુદ્રાક્ષ વિશેષજ્ઞ અને શિવ કથાકાર પૂજ્ય બટુકભાઇ વ્યાસના સાનિધ્યમાં મહાશિવરાત્રી રુદ્રાક્ષ મહોત્સવ આગામી ૧૮થી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન વલસાડ ધરમપુર રોડ ઉપર આવેલા વાંકલ ખાતે યોજાશે જેમાં 36 લાખ રુદ્રાક્ષ દ્વારા ૩૬ ફૂટ ઊંચા ભવ્ય રુદ્રાક્ષ શિવલિંગનું નિર્માણ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે, આ વર્ષે બનનારૂ રુદ્રાક્ષ શિવલિંગ ફરી એક વખત રેકોર્ડ બુકમાં સ્થાન પ્રાપ્ત કરશે અને વલસાડ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવશે.
આ “મહાશિવરાત્રી રુદ્રાક્ષ મહોત્સવ 2025” તા. ૧૮ થી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન દરરોજ સવારથી સાંજ રુદ્રાક્ષ મહાશિવલિંગના દર્શન કરીને એની ઉપર અભિષેક કરી શકાશે. રોજ સવારે ૯ઃ૦૦ થી ૧૨ઃ૦૦ હોમાત્મક મહારુદ્ર યજ્ઞ, દરરોજ બપોરે ૩ઃ૦૦ થી ૬ઃ૦૦ દરમિયાન પૂજ્ય શ્રી બટુકભાઇ વ્યાસના શ્રીમુખે શિવકથા થશે. સાંજે ૬ઃ૩૦ કલાકે ૧૦૮ દિવડાની ભવ્ય મહાઆરતી થશે. વિશ્વભરનાં શ્રદ્ધાળુઓ દ્વારા હસ્તલિખિત ૧૫૦ કરોડ ૐ નમ: શિવાય મંત્રદર્શન અને પરિક્રમા કરવાનો અભૂતપૂર્વ લ્હાવો પ્રાપ્ત થશે. દિકરી દેવો ભવઃ ( રુદ્રાક્ષ શિવલિંગજીના સાનિધ્યમાં ૧૦૮ કુમારિકા પૂજન), બ્લડ ડોનેશન કેમ્પ સાથે બીજા અનેક આયોજનો આ 18 થી 26 ફેબ્રુઆરી દરમિયાન થવાના છે.
પ્રતિવર્ષની પરંપરા અનુસાર ૩૯માં મહાશિવરાત્રી અનુષ્ઠાનના પાવનપર્વ ઉપર રુદ્રાક્ષ શિવલિંગ પરંપરાના સંશોધક(પેટન્ટ હોલ્ડર) ૪ વખત લિમ્કા બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન પ્રાપ્ત કરનાર શિવ કથાકાર, રુદ્રાક્ષ વિશેષજ્ઞ પૂ.શ્રી બટુકભાઈ વ્યાસની પ્રેરણાથી મહાશિવરાત્રી રુદ્રાક્ષ મહોત્સવ સમિતી અને દુલસાડ – વાંકલના ગ્રામજનો અને શિવભક્તોનાં સહયોગ દ્વારા અહીં નિર્માણ થઈ રહેલા 36 લાખ રુદ્રાક્ષ દ્વારા 36 ફૂટ ઊંચા ભવ્ય રુદ્રાક્ષ શિવલિંગ નિર્માણ માટે અનેક શિવભક્તો દિવસરાત મહેનત કરી રહ્યા છે. આ વર્ષે બનનારા 36 લાખ રુદ્રાક્ષનું 36 ફૂટ ઊંચું ભવ્ય રુદ્રાક્ષ શિવલિંગ એ વિશ્વનું સૌથી ઊંચું રુદ્રાક્ષ શિવલિંગ બનશે અને અગાઉની જેમ સૌથી ઊંચા રુદ્રાક્ષ શિવલિંગનો રેકોર્ડ પણ નોંધાવશે.
વિશ્વ વિખ્યાત શિવ કથાકાર, રુદ્રાક્ષ વિશેષજ્ઞ પૂ.શ્રી બટુકભાઈ વ્યાસએ જણાવ્યુ હતું કે આ પહેલા પણ વિશ્વના સૌથી ઊંચા રુદ્રાક્ષ શિવલિંગના નિર્માણમાં ભગવાન શિવજીએ મને જ નિમિત્ત બનાવ્યો હતો અને આ વર્ષે પણ એ સૌભાગ્ય મને પ્રાપ્ત થઈ રહ્યુ છે.
વલસાડ-ધરમપુરની વચ્ચે આવેલી આ પાવનભૂમિ ઉપર આ સતત બીજા વર્ષે અમે આયોજન કરીએ છીએ ત્યારે ધરમપુર, દુલસાડ અને વાંકલ તથા આજુબાજુના સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉત્સાહપૂર્વક સાથ સહકાર આપી આ કાર્યની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.

Share this post

error: Gujarat Alert Content is protected !!