LPGમાં ૨૫નો ભાવ વધારોઃ મોંઘવારીના વિષચક્રમાં પિસાતી પ્રજા

તહેવારો આવી રહ્યા છે તે પૂર્વે જ રાંધણ ગેસનો બાટલો મોંઘો થતા ગૃહિણીઓમાં ભારે દેકારોઃ સરકારે રાતોરાત ભાવ વધાર્યાઃ નવો બાટલો ૮૭૮નો : છેલ્લા ૮ મહિનામાં રાંધણ ગેસના બાટલામાં રૂા. ૧૬૫.૫૦નો ભાવ વધારો ઝીંકાયોઃ ચોતરફા મોંઘવારીના ડાકલા વાગતા પ્રજા હેરાન-પરેશાન

નવી દિલ્‍હી : કોરોનાની મહામારી વચ્‍ચે મોંઘવારીનું વિષચક્ર આમ આદમીને હેરાન-પરેશાન કરી રહ્યુ છે. પેટ્રોલ-ડીઝલથી લઈને ખાવા-પીવાની તમામ ચીજો મોંઘીદાટ બની જતા સામાન્‍ય માણસ માટે જીવવું કેમ ? તેવો પ્રશ્ન ઉભો થયો છે ત્‍યારે પ્રજાને મોંઘવારીનો વધુ એક ડામ આપવામાં આવ્‍યો છે. રાંધણ ગેસના ભાવમાં ઓચિંતો ૨૫ રૂા.નો ભાવ વધારો કરવામાં આવ્‍યો હોવાનું જાણવા મળે છે.
ઓગષ્‍ટ મહિનાની પહેલી તારીખે ૧૪ કિ.ગ્રા.વાળા રાંધણ ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્‍યો નહોતો પરંતુ ગઈકાલે મોડી રાત્રે ઓચિંતો રૂા. ૨૫નો ભાવ વધારો જાહેર કરવામાં આવ્‍યો છે. ૧૪ કિલોવાળા રાંધણ ગેસના બાટલાનો ભાવ ૮૫૩ હતો તે હવે વધીને ૮૭૮ રૂા. થયો છે. જ્‍યારે કોમર્શિયલ બાટલાના ભાવમાં માત્ર ૫ રૂા.નો ઘટાડો કરવામાં આવ્‍યો છે. નવો ભાવ ૧૬૪૫ થયો છે. અગાઉ રૂા. ૧૬૫૦ હતો.
છેલ્લા ૮ મહિનામાં રાંધણ ગેસના ભાવમાં ૧૬૫.૫૦ રૂા. વધી ગયા છે. આ વર્ષે જાન્‍યુઆરીમાં ગેસના બાટલાનો ભાવ ૭૦૭ હતો જે આઠ મહિનામાં વધીને ૮૭૮ જેટલો થઈ ગયો છે. નવા ભાવ આજથી અમલી બની ગયા છે. ૧લી ઓગષ્‍ટે કોમર્શિયલ બાટલા પર રૂા. ૭૨.૫૦નો વધારો થયો હતો. હજુ સબસીડી કેટલી ખાતામાં પહોંચી ? તે નક્કી થયુ નથી. અત્‍યાર સુધી ૧૨.૨૯ રૂા. સબસીડીના ગ્રાહકોને મળી રહ્યા છે.તહેવારો આવી રહ્યા છે ત્‍યારે રાંધણ ગેસના ભાવમાં ઓચિંતો વધારો કરવામાં આવતા ગૃહિણીઓમાં ભારે દેકારો મચી ગયો છે. એવુ જણાય છે કે પેટ્રોલ-ડીઝલની જેમ સરકાર પણ હવે સતત રાંધણ ગેસના બાટલાના ભાવ વધારતી રહેશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!