ખેરગામ
શાકભાજીના પથારા લઈને ખેરગામ બજારમાં શ્રીજી હોટલની ગલીમાં બેસતા લોકોનો સ્થાનિકોએ વિરોધ કરતા મામલતદાર સહિત પોલીસની ટીમે સ્થળ નિરીક્ષણ કરી શાકભાજી વેચવા બેસતી મહિલાઓને અન્ય સ્થળે બેસવા માટે જણાવ્યું હતું.
ખેરગામ બજારમાં શ્રીજી હોટેલની ગલીમાં જતા રસ્તા ઉપર દબાણ કરી પાથરણા પાથરી શાકભાજી વેચતા હોવા બાબતે બજારમાં કપડાંની દુકાન ધરાવતા મીરજભાઈ દેસાઈ સહિત અન્ય કેટલાક રહીશોએ ખેરગામ મામલતદારને લેખિત રજુઆત કરી હતી. જે સંદર્ભે મામલતદારે,તાલુકા વિકાસ અધિકારી, પીએસઆઇ એસ.એસ.માલ, ખેરગામ ગ્રામપંચાયતના ઈંચાર્જ સરપંચ કાર્તિક પટેલ, તલાટી કમ મંત્રી સુમનભાઇ સહિતના આગેવાનોએ મંગળવારે સ્થળ તપાસ કરી હતી અને રસ્તા પર દબાણ હોવાને કારણે અહીં ટ્રાફિક સમસ્યા બાબતે સ્થળ નિરીક્ષણ કરતા મામલતદારે પાથરણા પાથરી શાકભાજી વેચતી બહેનોને અહીંથી અન્ય સ્થળે ધંધો કરવા જણાવ્યું હતું. પાથરણા પાથરી શાકભાજી વેચતી બહેનોને શાકભાજી વેચવા માટે સ્થળની વૈકલ્પિક વ્યવસ્થા કરવા બાબતે પણ ચર્ચા કરી હતી.