બેંગ્લોર
બેંગ્લોરના કદાસિદ્ધેશ્વર આશ્રમ સાથે જોડાયેલા ઘોડાનું મોત થતાં તેના અંતિમ સંસ્કારમાં હજારોની ભીડ ઉમટી પડતાં વહીવટીતંત્ર દ્વિધામાં મુકાઈ ગયું હતું. પરિણામ સ્વરૂપ કોરોનાને પગલે આખા ગામને સીલ કરવાની નોબત આવી હતી.
કોરોના વાયરસના વધતા સંક્રમણ કારણે દેશમાં હાલના સમયમાં ભીડ એકત્ર થવાની મનાઈ છે. અનેક રાજ્યોમાં લૉકડાઉન પણ છે. કોરોનાને કારણે લોકો ઘરમાંથી બહાર નીકળવામાં ડરી રહ્યાં છે ત્યારે એક અજીબ કિસ્સો પ્રકાશમાં આવતાં દેશમાં ચર્ચાનો વિષય બની ગયો છે. કર્ણાટકના બેલગાવી જિલ્લામાં ઘોડાના અંતિમ સંસ્કારને જોવા માટે હજારોની ભીડ એકત્ર થઈ ગઈ હતી. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બેલગાવી જિલ્લાનાં મરાદીમઠનો વીડિયો વાઇરલ થતાં હાલ સ્થાનિક પ્રશાસને તેને સીલ કરી દીધું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ શનિવારે કોન્નૂરની પાસે કદાસિદ્ધેશ્વર આશ્રમ સાથે જોડાયેલા ઘોડાનું મોત થઈ ગયું હતું. કોરોનાની ગાઈડલાઈન હોવા છતાં ત્યાં અંતિમ સંસ્કાર જોવા માટે હજારો લોકોની ભીડ એકત્ર થઈ ગઈ હતી.
આ અંતિમયાત્રામાં આશરે 300-400 લોકો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસે ડિઝાસ્ટર એકટની કલમ હેઠળ એફઆઈઆર દાખલ કરી છે તેમજ મેળાવડો હોવાથી પોલીસ વિભાગે લોકોને ઓળખવાનું શરૂ કર્યું હતું.
આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે 400 થી વધુ ગામલોકોના કોરોના ટેસ્ટના નમૂના લેવામાં આવ્યા છે. તેમજ આરોગ્ય વિભાગે રહેવાસીઓને ઘોડાના અંતિમ સંસ્કારમાં ભાગ લેનારાંઓ વિશે માહિતી આપવા તાકીદ કરી છે. આ ગામ આગામી 14 દિવસ સુધી લોકડાઉન હેઠળ રહેશે.