વલસાડમાં જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ અને બાળ કલ્યાણ સમિતીની કચેરી ખાતે કાનૂની સહાય કેન્દ્ર શરૂ કરાયા

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ ખાતે જિલ્લા સેવા સદન-૨ બિલ્ડીંગમાં જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી ખાતે ૧૬મી ફેબ્રુઆરીથી કાનૂની સહાય કેન્દ્ર(Legal Service Clinic) શરૂ કરવામાં આવ્યું છે.
જિલ્લા સેવા સદન-૨ બિલ્ડીંગમાં વિવિધ સરકારી કચેરીઓ જેવી કે, મહિલા અને બાળ અધિકરીશ્રીની કચેરી, દહેજ પ્રતિબંધક સહ પ્રોટેક્શન અધિકારીશ્રીની કચેરી, બાળ સુરક્ષા એકમની કચેરી, નાયબ વન રક્ષકની કચેરી, સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કચેરી અને શ્રમ અધિકારીશ્રીની કચેરી વગેરે કાર્યરત છે. આ તમામ કચેરીઓમાં રોજબરોજ પોતાનાં કામ માટે આવતાં લાભાર્થીઓને અને જાહેર જનતાને જોઇતી જરૂરી કાનૂની સહાય તેમજ સલાહ મળી રહે તે માટે તેમજ જુવેનાઇલ જસ્ટીસ બોર્ડમાં કાયદાનાં સંઘર્ષમાં આવતાં બાળ કિશોરોને તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરીનાં લાભાર્થી બાળકો માટે જરૂરી કાયદાકીય માહિતી તેમજ કાનૂની સહાય મળી રહે તે માટે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ (નાલ્સા) ની બાળકો માટેની મૈત્રીપુર્ણ કાનૂની સેવાઓ અને તેમનાં રક્ષણની યોજના, ૨૦૧૫ અને કિશોર ન્યાય (સંભાળ અને રક્ષણ) કાયદો, ૨૦૧૫ નાં માર્ગદર્શક સિદ્ધાંતો અન્વયે કાનૂની સહાય કેન્દ્ર(Legal Service Clinic) શરૂ કરવામાં આવ્યું છે.
આ કાનૂની સહાય કેન્દ્ર(Legal Service Clinic)નું ઉદ્ઘાટન વલસાડ જિલ્લાનાં મુખ્ય જિલ્લા ન્યાયાધિશશ્રી અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, વલસાડનાં અધ્યક્ષશ્રી આર. કે. દેસાઇનાં હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રસંગે એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ તરૂણ વી. પી. આહુજા, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં સેક્રેટરી બી.જી.પોપટ, જુવેનાઇલ જસ્ટીસ બોર્ડનાં પ્રિન્સીપાલ મેજીસ્ટ્રેટ એમ.જી.વાદી, મહિલા અને બાળ અધિકારી શ્રીમતી શ્વેતાબેન દેસાઇ, દહેજ પ્રતિબંધક અધિકારી કમલેશભાઇ ગિરાસે, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી રાકેશભાઇ, બાળ સુરક્ષા કચેરીનાં લીગલ કમ પ્રોબેશન અધિકારી શ્રીમતી ધારાબેન પંચાલ અને સમાજ સુરક્ષા અધિકારી વિજેન્દ્ર ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, વલસાડનાં પેનલ એડવોકેટો અને પેરા લીગલ વોલ્યન્ટીયર્સ પણ હાજર રહ્યાં હતાં. વલસાડ જિલ્લાનાં મુખ્ય જિલ્લા ન્યાયાધિશશ્રીએ જાહેર જનતાને સદર કાનૂની સહાય કેન્દ્ર થકી જરૂરી સહાય અને સલાહ મેળવવા અનુરોધ કર્યો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!