વલસાડ,તા.21
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના શિસ્ત સમિતિના ચેરમેન બનેલા એડવોકેટ પી.ડી.પટેલના વલસાડ ખાતે યોજાયેલા સન્માન સમારંભ કાર્યક્રમમાં સુરતમાં હાઇકોર્ટની બેંચ લાવવા માટેની માંગ ઉદભવી હતી. જે સંદર્ભે ચેરમેને ગુજરાતમાં સુરત અને રાજકોટ ખાતે હાઇકોર્ટની બેંચ આવે તે માટેના બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે પ્રયત્નો શરૂ કર્યા હોવાનું મંચ પરથી જણાવ્યું હતું.
તાજેતરમાં વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળના પ્રમુખ પી.ડી.પટેલની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં શિસ્ત સમિતિના ચેરમેન પદે વરણી થઈ છે. આ ઉપરાંત એડવોકેટ મનીષ રાણાની કો-ઓપ્ટ મેમ્બર તરીકે વરણી થતા વલસાડ જિલ્લાના વકીલોએ તેમનો અભિવાદન કરવાનો સમારોહ વલસાડ કોર્ટ કેમ્પસમાં રાખ્યો હતો. જેમાં વકીલોએ પી.ડી.પટેલને અભિનંદન આપવા સાથે તેમના વ્યક્તિત્વ અંગે પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.
વલસાડના સિનિયર ધારાશાસ્ત્રી ઐયાઝ શેખે કહ્યું કે પી.ડી.પટેલે પોતાનું એવું હકારાત્મક વ્યક્તિત્વ ઊભું કર્યું છે કે કોઈ પણ નવા વકીલો કોર્ટ કેમ્પસમાં આવે એટલે સૌથી પહેલા એમનો જ સંપર્ક કરે, કયા સિનિયર સાથે કામ કરવું તેનો અર્લોર્ટમેન્ટ પણ પી.ડી. કરે. સનદ માટેની કાર્યવાહી હોય કે અન્ય કોઈપણ પ્રક્રિયા હોય દરેક ભાવિ લોયરને હકારાત્મક રીતે સલાહ આપે. તેમણે ચેરમેન બનવા બદલ પટેલને અભિનંદન આપવા સાથે હવે ન્યાયિક પ્રક્રિયામાં બધુ સાયન્ટિફિક થવા લાગ્યું છે, સાયબર ક્રાઇમને લગતી ઘટનાઓ વધી રહી છે ત્યારે તમામ વકીલોને જાણકારી મળે તે માટે સેમિનાર કરવાનું સૂચન કર્યું હતું.
નામી એડવોકેટ પ્રવીણભાઈ દેસાઈએ પી.ડી.પટેલ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન બને તેવી આશા રાખી શુભેચ્છા પાઠવી હતી. તેમણે વલસાડના જજીસ અને વકીલો વચ્ચે યોગ્ય સંકલન કરી હકારાત્મક વાતાવરણ ઊભું થાય તેવા પ્રયત્નો કરવા કહ્યું હતું. ઉપરાંત જ્યારે દેશમાં હાઇકોર્ટની નવી બેન્ચો ઊભી કરાઈ રહી છે ત્યારે સુરતમાં હાઇકોર્ટની બેંચ આવે અને એનું તમે નિમિત બનો એવી શુભકામનાઓ વ્યક્ત કરી બેન્ચની માંગણી કરી હતી. જે અનુસંધાને પી.ડી.પટેલે ગુજરાતમાં સુરત ઉપરાંત રાજકોટમાં હાઇકોર્ટની બેંચના પ્રયત્નો બાર કાઉન્સિલ દ્વારા કરાઇ રહ્યા હોવાનું જણાવ્યું હતું.
વલસાડ વકીલ મંડળના પ્રમુખ અમિત ગુપ્તાએ પી.ડી.પટેલે વલસાડના ત્રણ વકીલ મંડળોને એક રાખવા માટે ખૂબ મોટું યોગદાન આપ્યું હોવાનું અને તેઓ મુશ્કેલ સમયમાં દરેક વકીલ સાથે ઉભા રહ્યા હોવાનું જણાવી અભિનંદન આપ્યા હતા. જ્યારે રાજુ (વકીલ) દેસાઈએ કહ્યું કે પી.ડી. વકીલાત કરતા સેવાનો કામ વધારે કરે છે એટલે જ્યારે જ્યારે એમને જરૂર પડે ત્યારે આપણે સહકાર આપશું તો જ તે આપણી પણ સેવા કરી શકશે. ધરમપુર બાર એસોસિએશનના પ્રમુખ જયદીપ સોલંકીએ અમને જ્યારે પણ જરૂર પડી છે ત્યારે તેઓ મધરાતે પણ અમારા માટે ધરમપુર આવ્યા છે એમ કહી તેમનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમના અંતે પી.ડી.પટેલે કાર્યક્રમનું આયોજન કરવા બદલ આયોજકોનો આભાર માન્યો હતો. તેમજ ઐયાઝભાઈના સૂચન મુજબ ત્રણ મહિને એક વખત સેમિનાર કરવાની ખાતરી આપી હતી. જ્યારે મનીષ રાણાએ પોતાની નિમણૂક યથાર્થ નિવડે તે મુજબની કામગીરી કરવાની સૌને ખાતરી આપી હતી. આ કાર્યક્રમમાં વલસાડ ઉપરાંત ધરમપુર, પારડી, વાપીના બાર એસોસિયેશનના પ્રમુખ તથા વકીલમિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
પી.ડી.પટેલેને અમે કાયદામંત્રી જોવા માંગીએ છીએ: ઉપપ્રમુખ રાકેશ પટેલ
વકીલોના અભિવાદન સમારંભમાં રાજકારણનો રંગ પણ લાગ્યો હતો. વલસાડ ડિસ્ટ્રીક બાર એસોસિયેશનના પ્રમુખ ભરતભાઈ દેસાઈએ પીડી 1 લાખ 10 હજાર વકીલોનું પ્રતિનિધિત્વ કરતા હોય પી.ડી.પટેલ અમારા ધારાસભ્ય જ છે એમ કહ્યું હતું. જ્યારે એડવોકેટ અજીત ગરાસિયાએ પીડીને અમે વલસાડ ધારાસભ્ય તરીકે જોવા માંગીએ છીએ. જ્યાં પણ અમારી મદદની જરૂર હોય ત્યાં અમે તૈયાર છીએ એમ કહ્યું હતું. આટલેથી ન અટકતા વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળના ઉપપ્રમુખ રાકેશભાઈ પટેલે અમે ધારાસભ્ય નહીં પરંતુ પી.ડી. પટેલને કાયદા મંત્રી જોવા માંગીએ છીએ એમ કહી આગામી ચૂંટણીમાં ઝંપલાવવા હાકલ કરી હતી.