ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડના રેલવે જીમખાના મેદાનમાં યોજાયેલી વલસાડ આહિર પ્રીમિયર લીગ સીઝન-5 ક્રિકેટ ટુર્નામેન્ટમાં રસાકસીભરી ફાઈનલ મેચમાં ક્રિષ્ના સુપર કિંગ સે રુદ્ર સ્ટ્રાઈકર્સને એક વિકેટ અને ત્રણ બોલે હરાવી ટ્રોફી કબજે કરી હતી.
છેલ્લા પાંચ વર્ષથી વલસાડ આહીર યુથ ક્લબ દ્વારા યોજાતી વલસાડ આહીર પ્રીમિયર લીગ સીઝન 5 નું આયોજન વલસાડના રેલવે જીમખાના મેદાન પર કરવામાં આવ્યું હતું. તા.17. 03. 23 થી શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં વલસાડ જિલ્લાની કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં પારડીની રુદ્ર સ્ટ્રાઈકર્સ અને વલસાડની ક્રિષ્ના સુપર કિંગ વચ્ચે ફાઈનલ મુકાબલો યોજાયો હતો.
ફાઇનલમાં રુદ્ર સ્ટ્રાઈકર્સે પ્રથમ બેટિંગ લઈ 7 ઓવર 5 બોલમાં 70 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ક્રિષ્ના સુપરકિંગે 7 ઓવર 3 બોલમાં 9 વિકેટ એ 74 રન બનાવી વિજય હાંસલ કર્યો હતો. ફાઇનલ મેચમાં ભારે રસાકસીને પરિણામે દર્શકો રોમાંચિત થઈ ઊઠ્યા હતા.આ ટુર્નામેન્ટમની ફાઇનલમાં મેન ઓફ ધ મેચની ટ્રોફી મગોદના કેનીલે મેળવી હતી. જ્યારે સમગ્ર ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા ભરૂચના ધવલ આહીરને મેન ઓફ ધ સિરીઝની ટ્રોફી એનાયત કરાઈ હતી.
આ ટુર્નામેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે વલસાડ જિલ્લા કલેકટર ક્ષીપ્રા આગ્રે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ સોનલબેન સોલંકી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે યુથ ક્લબના ગૌરવ આહિર, કેતન આહીર, ચિરાગ આહીર તથા તરુણ આહિર સહિતના યુવાનોએ ખૂબ મહેનત કરી હતી.