કિલ્લાપારડીથી નાનાપોંઢા ઈન્ટરસિટી બસ સેવાનો શુભારંભ, હવે દર દોઢ કલાકે એસટી બસ દોડશે: સવારે ૫-૩૦ થી રાત્રે ૮-૩૦ સુધી આ રૂટ પર કુલ ૧૪ ટ્રીપ એસટી બસ મારશે: લોકલ ભાડુ રૂ. ૨૩ જ રહેશે

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મુખ્ય મથક કિલ્લાપારડી અને કપરાડા તાલુકાના મુખ્ય મથક નાનાપોંઢા સુધીના રૂટ પર નિયમિત અને વધારાની એસટી બસો દોડાવવામાં આવે એવી રજૂઆત કપરાડાના ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી દ્વારા વલસાડ એસટીના વિભાગીય નિયામકશ્રી એન.એસ.પટેલને કરવામાં આવી હતી. જે રજૂઆતને વિભાગીય નિયામકશ્રી દ્વારા તાત્કાલિક અમલીકરણ માટે મુકી કિલ્લા પારડીથી નાનાપોંઢા અને નાનાપોંઢાથી કિલ્લાપારડીના નવા રૂટની શરૂઆત કરી ધારાસભ્યશ્રીના હસ્તે લીલી ઝંડી આપી સેવાનો શુભારંભ કરાવતા મુસાફર જનતામાં ખુશીની લહેર પ્રસરી હતી.

આ બસ સેવાનો લાભ રોજ સવારે ૫-૩૦ વાગ્યેથી શરૂ થઈ રાત્રે ૮-૩૦ વાગ્યા સુધી દર દોઢ કલાકે મુસાફર જનતાને મળતો રહેશે. આ દરમિયાન પારડીથી નાનાપોંઢા ૭ ટ્રીપ અને નાનાપોંઢાથી પારડી ૭ ટ્રીપ મળી કુલ ૧૪ ટ્રીપ મારવામાં આવશે. હાલમાં જે રીતે વલસાડ ધરમપુર ઈન્ટરસીટી બસ સેવાનો લાભ મુસાફરોને મળી રહ્યો છે તે રીતે હવે પારડી નાનાપોંઢા રૂટ પર અંદાજે ૧૦ હજાર જેટલી મુસાફર જનતાને આ નવી સેવાનો લાભ મળશે. જેનાથી રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ, નોકરીયાતો અને જરૂરીયાતમંદોને વાહન વ્યવહારની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. આ રૂટના બસ ભાડામાં કોઈ વધારો ઘટાડો કરવામાં આવ્યો નથી. લોકલ રૂ. ૨૩ ના ભાડા દરે મુસાફરી કરી શકાશે. આ બસ સેવાના શુભારંભ પ્રસંગે કપરાડાના ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરીએ વધુમાં વધુ લોકોને સરકારની એસટી બસની સુવિધાનો લાભ લેવા આહવાન કર્યુ હતું.
આ પ્રસંગે વલસાડ એસટીના વિભાગીય નિયામકશ્રી એન.એસ.પટેલ, નાનાપોંઢાના સરપંચશ્રી, કપરાડા તાલુકા સંગઠનના પ્રમુખશ્રી અને મહિલા સંગઠનના પ્રમુખ દક્ષાબેન હાજર રહ્યા હતા. વલસાડ એસટી ડેપો મેનેજર અનિલભાઈ અટારાએ આભારવિધિ કરી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!