ગુજરાત એલર્ટ | ખેરગામ
ખેરગામ નગરમાં શુક્રવારે બપોરે એક કૂતરું લોકોની પાછળ દોડી બચકાં ભરવા લાગતાં ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો. એક બાદ એક બાળક, મહિલા અને વૃદ્ધો સહિત 6 જણાને બચકાં ભરતાં તમામને ખેરગામ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
પ્રાપ્ત માહિતી અનુસાર ખેરગામના બજાર વિસ્તારમાં આવેલા ઝંડાચોક પાસે બપોરના અરસામાં એક કૂતરું આવી ચઢ્યું હતું. અને રસ્તે આવતા-જતા લોકોની પાછળ દોડવા લાગતાં લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. જે અડફેટે ચઢે એને બચકાં ભરી લેતાં આ નગરના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ કૂતરાએ ખેરગામ નગરના 5 વર્ષના કુંજ, 33 વર્ષનાં હિનાબેન, 73 વર્ષના હરિભાઈ ચાવાળા, 70 વર્ષના ગોવિંદભાઈ ચાવાળા, 54 વર્ષનાં અલારખાભાઈ અને પણજ ગામની 15 વર્ષની સોનલને બચકાં ભરતાં તેમને સારવાર માટે ખેરગામ રેફરલ હોસ્પિટલમાં ખસેડવાની નોબત આવી હતી. કૂતરાંએ અનેકને બચકા ભરતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.