ગુજરાત એલર્ટ । ખેરગામ
ખેરગામ તાલુકો બનતા ચીખલીમાંથી ખેરગામ તાલુકાના ગામોના અદાલતી તુમારો ખેરગામ નવીન અદાલત બનાવી તા.૨૩-૭-૧૭ થી મામલતદાર સેવા સદનના બીજા માળે શરૂ કરવામાં આવી હતી. જે સાતેક વર્ષ સેવા સદનના બીજા માળે કાર્યરત રહી હતી. તા. 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસે ખેરગામ, ચીખલી તથા ડોલવણ ખાતેના ન્યાય મંદિરના નવનિર્મિત ભવનનું ગુજરાત ઉચ્ચ અદાલતના ન્યાયાધીશ શ્રીમતી સુનીતા અગ્રવાલે વર્ચ્યુઅલ ઈ-લોકાર્પણ કર્યું હતુ. પરિણામે સેવાસદનમાં કાર્યરત અદાલતી કાર્યવાહી હવેથી પોલીસ સ્ટેશનના નવા સંકુલ પછી એટલે કે ખેરગામથી ૩ કિલોમીટર અને સેવાસદનથી બે કિલોમીટર દૂર ખસેડાય છે.
ઈ-લોકાર્પણ પ્રસંગે ન્યાયાધીશ સુનીતા અગ્રવાલે જણાવ્યું હતું કે, અદાલતનું ભારણ ઓછુ થાય તે રીતે અદાલતી કાર્યવાહી કરી કેસોમા સમાધાન થાય તેવા પ્રયાસો જરૂરી છે. તેમણે વકીલોને પણ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. પક્ષકારોને કેન્દ્ર સ્થાને રાખી ચીખલી-ખેરગામમાં અંદાજીત રૂ.૬.૫૦ કરોડના ખર્ચે સંકુલ તૈયાર કરાયું છે. સ્થળ પર નવસારી જિલ્લા પ્રિન્સિપાલ સેશન્સ જજ શ્રીમતી કે.ડી. દવેએ કોર્ટ બિલ્ડિંગનો શુભારંભ કરાવ્યો હતો. મુખ્ય દીવાની ન્યાયાધીશ, ન્યાયિક મેજિસ્ટ્રેટની અદાલતના લોકાર્પણમાં સુશ્રી અગ્રવાલ, દવે તથા રામ મેડમ ત્રણેય મહિલાઓની જ મહત્વની ભૂમિકા હતી.
વિધિવત શુભારંભ હાઈકોર્ટના એડમિનિસ્ટ્રેટીવ જજ ઓફ ધ ડિસ્ટ્રીકટ અનિરૂધ્ધ પી. માયીના અધ્યક્ષ સ્થાને શનિવારે કરાયો જેમણે જણાવ્યું કે, માર્ગ-મકાન વિભાગે આ અદાલતી સંકુલ સુવિધા સભર બનાવ્યું છે, પક્ષકારો સુમેળભર્યા વાતાવરણમાં સમાધાન કરવા ઈચ્છે તે માટે અલગથી મીડીયેશન સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે. જીત નિકાલ પછી પક્ષકારો અને વકીલ બંને હસ્તધૂનન કરી હસતા મોઢે ઘરે જાય તેવી અપેક્ષા છે. ખેરગામ ડોલવણ જેવા અંતરિયાળ વિસ્તારમાં આધુનિક ભવનથી લોકોને ફાયદો થશે. કેસોનો ઝડપી નિકાલ થશે.