ગુજરાત એલર્ટ । જયપુર
રાષ્ટ્રીય રાજપૂત કરણીસેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની જયપુરમાં ગોળી મારી હત્યા કરી દેવાઈ છે. મંગળવારે ધોળા દિવસે સ્કુટી પર આવેલા બે શખ્સોએ ગોગામેડી પર ફાયરિંગકર્યુ હતુ. ગોળી મારી બંને હુમલાખોર ત્યાંથી ફરાર થઈ ગયા હતા. લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા ગેંગસ્ટર રોહિત ગોદારાએ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાની જવાબદારી લીધી છે. રોહિત ગોદારા લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા છે.
પોલીસના જણાવ્યા મુજબ ફાયરિંગ બાદ આજુબાજુના લોકો એક્ઠા થઈ ગયા હતા. ગોગામેડી પર ફાયરિંગ થયા બાદ તુરંત તેમને મેટ્રો માસ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જો કે ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટના સમયે ગોગામેડીની સાથે હાજર અજીત સિંહ પણ ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે વધુમાં જણાવ્યુ કે સુખદેવસિંહ ગોગામેડી મંગળવારે બપોરના 1.45 કલાકે શ્યામ નગર જનપથ ખાતે બહાર ઉભા હતા. એ દરમિયાન સ્કૂટર પર આવેલા બે હુમલાખોરોએ ગોગામેડી પર ફાયરિંગ કર્યુ હતુ. સૂચના મળતા જ શ્યામનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી. ગોગામેડીના સમર્થકોના જણાવ્યા અનુસાર જે કોઈપણ આરોપીઓ છે તે કોઈ ગેંગના સભ્યો હોવાનુ પ્રતિત થાય છે અને તેમણે પુરી રેકી કરીને ઘટનાને અંજામ આપ્યો છે. છેલ્લા બે દિવસથી ગોગામેડીના બોડીગાર્ડ રજા પર હતા તેવી તેમને જાણ હોવી જોઈએ. આથી તેમણે આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો છે.
હુમલાખોરોએ રાષ્ટ્રીય રાજપૂત કરણીસેનાના અધ્યક્ષ ગોગામેડી પર ઉપરાછાપરી ગોળીઓ ચલાવી હતી. આ હત્યા પાછળ શું મોટિવ હતો તેની તપાસ હાથ ધરવામાં આવી છે. ગોગામેડીની હત્યા બાદ તેમના સમર્થકોમાં ભારે રોષ ફેલાયો છે અને તેમણે ગોળીનો જવાબ ગોળીથી આપવાની ચીમકી ઉચ્ચારી છે. વધુમાં આ હત્યા પાછળ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ હોવાની પણ આશંકા સેવાઈ રહી છે.
ગોગામેડીના સમર્થકોના જણાવ્યા મુજબ તેમને અગાઉ પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા હત્યાની ધમકી મળી હતી અને તેંમણે ગેહલોત સરકાર સામે સુરક્ષાની માગ કરી હતી પરંતુ તેમને સુરક્ષા આપવામાં આવી ન હતી. તેમણે પોલીસ કમિશનર, ડીજીપી સહિતનાને મળ્યા હતા અને સુરક્ષાની માગ કરી હતી પરંતુ તેમની માગને ધ્યાને ન લેવાતા આ હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો છે. જે બાદ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા
ગેંગસ્ટર રોહિત ગોદારાએ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાની જવાબદારી લીધી છે. રોહિત ગોદારા લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા છે.