ગુજરાત એલર્ટ | વલસાડ
પત્રકાર વેલ્ફેર એસોસિએશન વલસાડનો ચોથો મીડિયા એવોર્ડ વિતરણ સભારંભ ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને એબીપી અસ્મિતા ન્યુઝ ચેનલનાં ચેનલ હેડ રોનક પટેલનાં અધ્યક્ષસ્થાને આગામી તા. 3 માર્ચ 2024 ના રોજ વલસાડ ખાતે યોજાશે.
જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ કરતા વલસાડના પત્રકારોના પોતાના સંગઠન એવા પત્રકાર વેલ્ફર એસોસિએશન વલસાડ દ્વારા છેલ્લા 3 વર્ષથી મીડિયા એવોર્ડ વિતરણ સમારંભ યોજવામાં આવે છે. વર્ષ દરમિયાન પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો દ્વારા કરાયેલી જુદી જુદી સ્ટોરીઓના ન્યૂઝ મંગાવી તેનું નિર્ણાયક દ્વારા જજમેન્ટ કરાય છે. આ સ્ટોરીઓમાં વિજેતા બનેલા મીડિયાકર્મીઓને એવોર્ડ વિતરણ સભારંભમાં મહાનુભવાના હસ્તે એવોર્ડ આપવામાં આવે છે.
2023 ના સમગ્ર વર્ષ દરમિયાન કરાયેલી સ્ટોરી અંગે પત્રકાર વેલફેર એસોસિએશન દ્વારા પ્રતિયોગીતા રાખવામાં આવી હતી. જેમાં હાલમાં અમદાવાદમાં ટીવી 9 સાથે જોડાયેલા હરીશ ગુર્જર અને સુરતમાં ગુજરાતમિત્ર સાથે જોડાયેલા હેતલ ચૌહાણએ નિર્ણાયક તરીકેની ખૂબ જ મહત્વની ભૂમિકા અદા કરી હતી. પોઝિટિવ, હ્યુમન, ઇન્વેસ્ટિગેટિવ, ઇમ્પેક્ટ, સોફ્ટ, ફોટો સહિતની જુદી જુદી સ્ટોરીઓમાં મીડિયાકર્મીઓ દ્વારા મોકલાવાયેલી સ્ટોરીઓ અંગેનો નિર્ણય આવી જતા આગામી તા. 03.03.2024 ના રવિવારે સવારે 11:00 કલાકે ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને એબીપી અસ્મિતા ન્યુઝ ચેનલના ચેનલ હેડ રોનક પટેલના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો છે. વલસાડના તિથલ રોડ સ્થિત એમ સ્ક્વેર મોલમાં આવેલા પરિવાર બેંકવેટ હોલમાં યોજાનારા આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા કલેકટર આયુષ ઓક, જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલા, વલસાડના સાંસદ ડો. કે. સી. પટેલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, પૂર્વ વલસાડ નગર પાલિકા પ્રમુખ સોનલ સોલંકી(જૈન) સહિતના અનેક અગ્રણીઓ, સામાજિક સંસ્થાનાં કાર્યકરો હાજર રહેશે.
પત્રકાર વેલ્ફેર એસોસિયેશનના પ્રમુખ હર્ષદ આહિર તથા પ્રોજેક્ટ ચેરમેન અપૂર્વ પારેખે વલસાડ, નવસારી, ડાંગ તથા સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના પત્રકારોને આ કાર્યક્રમમાં હાજર રહેવા અનુરોધ કર્યો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એસોસિયેશનની સમગ્ર ટીમ ખૂબ જ મહેનત કરી રહી છે.