ગુજરાત એલર્ટ l આહવા
વ્યક્તિમા રહેલી પ્રતિભાને નિખારવા વલસાડના નવરંગ ગૃપ દ્વારા તા.૨૫ ડિસેમ્બર ના રોજ પારડીના મોરારજી દેસાઈ ઓડિટોરીયમમાં નવરંગ ટેલેન્ટ ફેસ્ટીવલ સિઝન-૮નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ટેલેન્ટ ફેસ્ટિવલના સંગીત સ્પર્ધામા ડાંગ જિલ્લાના યુવા શ્રી જિગ્નેશ પરમારે ભાગ લઇ પ્રથમ ક્રમાંક મેળવી વિજયી બન્યા હતા.
કલા શ્રેત્રે જૌડાયેલા ડાંગ જિલ્લા આહવાના વતની શ્રી જિગ્નેશ પરમારે આ અગાઉ ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા યોજાતા યુથ ફેસ્ટિવલમા બે વખત રાજય કક્ષાએ લોકગીત સ્પર્ધામા ભાગ લીધો હતો. તેમજ તેઓના લોકસંસ્કાર કલા વૃંદની ટીમ કલા મહાકુંભ રાજ્ય કક્ષાએ લગ્નગીત સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ, અને દ્વિતીય બે વખત વિજેતા રહી ડાંગ જિલ્લાનુ નામ રોશન કર્યું હતુ.
વલસાડના નવરંગ ગૃપના ડાયરેક્ટર શૈલેષભાઈ જૈન અને તેઓની ટીમ દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાત્મક કાર્યક્રમમા ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હૈદરાબાદ, ચેન્નઈ અને વેસ્ટ બંગાળથી કુલ ૧૮૮ કૃતિઓ રજુ કરવામા આવી હતી. કુલ ૩૦૦ સ્પર્ધકોએ રંગમંચ પર વિવિધ રાજ્યની ઓળખ સમા સાંસ્કૃતિક નૃત્ય, ડાન્સ, ફેશન શો, – સંગીત, સુર સરતાજ થીમ હેઠળ સિગિંગ અને જાદુની કલા સહિત વિવિધ કલા કૌશલ્યના કૌતુક રજુ કર્યા હતા.
વલસાડ પારડી ખાતે યોજાયેલ નવરંગ ટેલેન્ટ ફેસ્ટિવલમા ડાંગના યુવા જિગ્નેશ પરમાર પ્રથમ ક્રમાંકે વિજયી બન્યા
