(હેમંત સુરતી દ્વારા)
ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના બે ગરીબ આદિવાસી યુવકોના મૃત્યુની શાહી હજી સુધી સુકાઈ નથી. અને આ ઘટનાના જવાબદાર પોલીસ કર્મીઓને બચાવી લેવાનો નિર્લજ્જ ખેલ પોલીસ તરફથી ખેલાઈ રહ્યાની ચર્ચા ડાંગ જિલ્લાના આદિવાસી પટ્ટીમાં થઈ રહી છે. ઘટનાને દિવસો વીતી ગયા છતાં યુવકોના કસ્ટોડિયલ ડેથમાં જવાબદાર એવા પી આઈ હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલોને ઉની આંચ સુધ્ધા આવી નથી. એ ઉધઈ ખાઈ ગયેલા સિસ્ટમનો જીવંત પુરાવો છે.
સામાન્ય ગુનામાં ગરીબોના ઘર સુધી પહોંચી જઈ રંજાડવામાં કોઈ કસર ન રાખનારી પોલીસ ગંભીર ગુનાની કલમ હેઠળ પોતાના ડિપાર્ટમેન્ટના જવાબદાર પોલીસ કર્મીઓ ઉપર નોંધાયેલા ગુના સામે આંખ આડા કાન કરી લોકશાહીનું ચીરહરણ કરી રહી હોય તેવી પ્રતીતિ આદિવાસીઓમાં થઈ રહી છે.
આરોપી પોલીસ કર્મીઓને બચાવવા માટે પોતાનું રાજકીય સગપણ હોવાની વાત કરતાં એક પોલીસ અધિકારી આરોપી પોલીસ કર્મીઓને બચાવવા હવાતિયાં મારી રહ્યાની ચર્ચા ખુદ પોલીસ બેડામાં ચાલી રહી છે. ત્યારે આ ચર્ચા પાછળ વાસ્તવિક હકીકત શું છે તે સંનિષ્ઠ પોલીસ અધિકારીઓ જાણવા છતાં ચુપ બેઠા છે. જે ગરીબો પ્રત્યે થઈ રહેલા ભેદભાવની નીતિનો જીવતો જાગતો દાખલો છે.
લોકશાહીમાં આજે પણ ગરીબો માટે ન્યાય મેળવવો અઘરો..વઘઈના બે ગરીબ આદિવાસી યુવકોનાં મૃત્યુ માટે જવાબદાર પોલીસ કર્મીઓને બચાવનાર પોલીસ અધિકારી કોણ?
