ગુજરાત એલર્ટ । વલસાડ
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી (IRCS) એક સ્વૈચ્છિક માનવતાવાદી સંસ્થા છે જે સમગ્ર દેશમાં 1100 થી વધુ શાખાઓનું નેટવર્ક ધરાવે છે, જે આપત્તિ/કટોકટીના સમયે રાહત પૂરી પાડે છે અને નબળા લોકો અને સમુદાયોના આરોગ્ય અને સંભાળને પ્રોત્સાહન આપે છે. તે વિશ્વની સૌથી મોટી સ્વતંત્ર માનવતાવાદી સંસ્થા, ઇન્ટરનેશનલ રેડ ક્રોસ અને રેડ ક્રેસન્ટ મૂવમેન્ટની અગ્રણી સભ્ય છે.
IRCS નું મિશન દરેક સમયે તમામ પ્રકારની માનવતાવાદી પ્રવૃત્તિઓને પ્રેરિત કરવાનું, પ્રોત્સાહિત કરવાનું અને પહેલ કરવાનું છે, જેથી કરીને માનવીય દુઃખને ઘટાડી શકાય અને તેને અટકાવી શકાય અને આ રીતે શાંતિ માટે વધુ અનુકૂળ વાતાવરણ બનાવવામાં યોગદાન આપી શકાય.
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી,વલસાડ જીલ્લા શાખા, વર્ષ ૨૦૦૦થી રેડ ક્રોસના સાત મૂળભૂત સિદ્ધાંતોને આધીન કાર્યરત છે. અને થેલેસેમિયા અને સિકલ સેલ એનીમિયા પ્રિવેન્શન અને જન જાગૃતિ અભિયાન, તદુપરાંત સમગ્ર જીલ્લામાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ, પુર અને આફતના સમયે રાહત કામગીરી, ઔધોગિક એકમોમાં First Aid Training નું આયોજન વર્ષોથી કરે છે.
વલસાડ જિલ્લા શાખા દ્વારા આ વર્ષની થીમ માનવતાને જીવંત રાખીએ ને ચરિતાર્થ કરવા વિશ્વ થેલેસેમિયા દિવસ અને વિશ્વ રેડ ક્રોસ દિવસની ઉજવણી નિમિત્તે નાનકડા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે રેડ ક્રોસ વલસાડના સહમંત્રી ડો. વિશાલ મહેતાએ ઉપસ્થિત રહી સૌને આવકાર્ય હતાં તથા ડો. નીરવ બુચ- હિમેટો ઓનકોલોજીસ્ટ –સુરત, ડો. પરિમલભાઈ – ટીબી વિભાગ-વલસાડ અને ડો. કમલ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે વલસાડ જિલ્લાના અને આજુબાજુના વિસ્તારના રજિસ્ટર્ડ ૫૧ થેલેસેમિક દર્દીઓનું મેડિકલ ચેક અપ કેમ્પ રાખવામાં આવેલ જેમાં દર્દીઓને – ડો. નીરવ બુચ- ગોલ્ડ મેડલીસ્ટ હિમેટો ઓનકોલોજીસ્ટ –સુરત દ્વારા તપાસ કરી જરૂરી સારવાર અને માર્ગદર્શન આપવામાં આવેલ. જેમના જરૂરી બ્લડ ઇન્વેસ્ટિગેશન ડો. ઇટાલીયા, વલસાડ ક્લિનીક દ્વારા નિશુલ્ક કરવામાં આવેલ તથા દર મહિને બ્લડ લેવા આવતા તમામ થેલેસેમિક દર્દીઓને લોહી મેળવવામાં સરળતા રહે એ માટે વિશેષ આઈ.ડી કાર્ડ આપવામાં આવ્યા હતાં.
ટીબી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ડિસ્ટ્રીકટ ટીબી ઓફિસરશ્રી ડો. એચ. પી સીંગના માર્ગદર્શન હેઠળ નિક્ષય મિત્ર સ્કીમ અંતર્ગત રેડ ક્રોસ સોસાયટી વલસાડ ના ચેરમેન શ્રી ભદ્રેશભાઈ ગાંધીના ટ્રસ્ટ દ્વારા અનુદાનિત ટીબી ના ૧૪ દર્દીઓને પોષણ કીટ વિતરણ કરવામાં આવેલ અને આગામી ૬ મહિના સુધી પોષણ કીટ વિતરણ કરવામાં આવશે જેમાં ટીબી વિભાગના ડો. પરિમલ, શ્રીમતી આશા પટેલ અને કેતનભાઈએ ઉપસ્થિત રહી સહયોગ આપ્યો હતો.
રેડ ક્રોસ વલસાડના એકઝીકયુટીવ મેમ્બર ભાવેશ રાયચાએ સમગ્ર કાર્યક્રમના સંચાલન દરમ્યાન થેલેસેમિક દર્દીઓને અને એમના પરિવારને થેલેસેમિયા અને રેડ ક્રોસની માહિતીથી વાકેફ કરી આવા દર્દીઓના જીવન માટે જરૂરી રક્ત માટે રક્તદાદાતાઓ અને રકતદાન શિબિર આયોજકોની અને વલસાડ રકતદાન કેન્દ્રની અવિરત સેવાઓ બિરદાવી હતી.
આ સમગ્ર કાર્યક્રમના સુચારું આયોજનમાં રેડ ક્રોસના સ્વયંસેવકો અને વલસાડ રકતદાન કેન્દ્ર પરિવારનો સભ્યોએ જહેમત ઉઠાવી હતી.