મુંબઇ : તાલિબાનોએ તાજેતરમાં અફઘાનિસ્તાન પર કબજો કર્યો છે. હવે અફઘાનિસ્તાનમાં તાલિબાનાનું શાસન છે. આ જ કારણ છે કે આ દિવસોમાં આ મુદ્દો સમગ્ર વિશ્વમાં હેડલાઇન્સમાં છે. સામાન્ય લોકોથી લઈને સેલેબ્સ આ અંગે પ્રતિક્રિયા આપી રહ્યા છે. હવે બોલિવૂડના પીઢ અને ખુબ જાણીતા અભિનેતા નસીરૂદ્દીન શાહે પણ આ બાબતે પોતાની પ્રતિક્રિયા રજૂ કરી છે. તાલિબાનનું સમર્થન કરનારા ભારતીય મુસલમાનોને નસિરે આડેહાથ લઇ ઝાટકણી કાઢી છે.નસીરૂદ્દીન શાહે એવા ભારતીય મુસ્લિમોને નિશાન બનાવ્યા છે જે તાલીબાનને સમર્થન આપી રહ્યા છે. નસીરે વીડિયો શેર કરીને ઘણા મહત્વના સવાલો ઉભા કર્યા છે. અભિનેતાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.સોશિયલ મીડિયા પર એક વિડીયો વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે, જેમાં નસીરુદ્દીન શાહ કહેતા જોવા મળી રહ્યા છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન ફરી પાછું મેળવવું સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે. તેનાથી ઓછું ખતરનાક નથી કે ભારતીય મુસ્લિમોનું આ દરિંદાઓની વાપસી પર જશ્ન મનાવવો. આજે દરેક ભારતીય મુસલમાને પોતાની જાતને આ પ્રશ્ન પૂછવો જોઈએ કે શું તે પોતાના ધર્મમાં સુધારા અને આધુનિકતા ઈચ્છે છે કે પછી તે પાછલી સદીઓની બર્બરતા સાથે જીવવા માંગે છે.એટલું જ નહીં અભિનેતાએ વધુમાં કહ્યું છે કે હું પણ એક ભારતીય મુસ્લિમ છું અને મિર્ઝા ગાલિબે કહ્યું છે તેમ, અલ્લાહ મિયાં સાથે મારો સંબંધ ઘણો અલગ છે, મારે કોઈ રાજકીય ધર્મની જરૂર નથી. આવી સ્થિતિમાં, હિન્દુસ્તાની ઇસ્લામ હંમેશા સમગ્ર વિશ્વના ઇસ્લામથી અલગ રહ્યો છે અને ભગવાને તે સમય ન લાવવો જોઈએ જેથી તે એટલો બદલાય કે આપણે તેને ઓળખી પણ ન શકીએ.નસીરૂદ્દીન શાહનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. ચાહકો આ વિડીયો પર અલગ અલગ રીતે ટિપ્પણી કરી રહ્યા છે. જયારે કેટલાક યુઝર્સ નસીરની પ્રશંસા કરતા જોવા મળે છે, તે જ સમયે, કેટલાક ટ્રોલિંગ કરતા પણ જોવા મળે છે. મહત્વનું છે કે, ઓગસ્ટ મહિનામાં તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો જમાવી લીધો છે. આ પછી, ભારતમાં કેટલાક મુસ્લિમ સંગઠનોએ અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાને યોગ્ય ઠેરવ્યો અને તેના પર ખુશી વ્યકત કરી. નસીરુદ્દીન શાહ દરેક મુદ્દે તેમના વિચારો સમય સમય પર રાખે છે. નસીરૂદ્દીન શાહના ચાહકોની યાદી ઘણી લાંબી છે
તાલિબાનનું સમર્થન કરનારા ભારતીય મુસ્લિમોને આડે હાથ લીધા: નસિરૂદ્દીન શાહનો વિડીયો થયો વાયરલઃ ભારતીય મુસલમાનો ધર્મમાં સુધારા અને આધુનિકતા ઇચ્છે છે કે પાછલી સદીઓની બર્બરતા સાથે જીવવા માંગે છે? મારે કોઇ રાજકીય ધર્મની જરૂર નથી, અલ્લાહમિંયા સાથે મારો સંબંધ ઘણો અલગ છેઃ હિન્દુસ્તાની ઇસ્લામ હમેંશા સમગ્ર વિશ્વના ઇસ્લામથી અલગ રહ્યો છેઃ કેટલાક યુઝર્સે પ્રશંસા કરી, કેટલાકે ટ્રોલ કર્યા
