ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ તાલુકાના સરોધી અને વશીયરના નવનિર્મિત રેલવે ઓવરબ્રિજોનું નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. સરોધી રેલવે ઓવરબ્રિજનું રૂ. ૩૯.૪૨ કરોડના જ્યારે વશીયર રેલવે ઓવરબ્રિજનું રૂ. ૪૩ કરોડના ખર્ચે નિર્માણ કરાયું છે. સરોધી રેલવે ઓવરબ્રિજના કારણે સરોધી, કાંપરી, ચીખલા, લીલાપોર તેમજ વશીયર રેલવે ઓવરબ્રિજના કારણે તિથલ, સેગવી, મગોદ, વગેરે ગામોના લોકોને આવન જાવનમાં સરળતા રહેશે.
વશીયર રેલવે ઓવરબ્રિજના કારણે ઈમરજન્સીમાં સિવિલ હોસ્પિટલ તરફ જવા માટે પણ ઝડપી કનેક્ટીવિટી મળશે. નેશનલ હાઈવે ૪૮ થી વલસાડ અને તિથલ જવા માટે સમય તથા ઈંધણની બચત થશે તેમજ ટ્રાફિક સમસ્યાનું પણ નિરાકરણ થશે.
લોકાર્પણ પ્રસંગે મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ગ્રામજનોને નવા રેલવે ઓવરબ્રિજ માટે અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે, ૨૦૨૪ થી ૨૦૨૯ સુધીમાં નવા ભારતનું નિર્માણ થવા જઈ રહ્યું છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૧૪માં દેશનું નેતૃત્વ સંભાળ્યું છે ત્યારથી દેશમાં ગતિશક્તિ યોજના હેઠળ અનેક વિકાસના કામો ગતિથી થઈ રહ્યા છે. રોડ અને પોર્ટની કનેક્ટિવિટી વધશે. ગતિ શક્તિ યોજના હેઠળ દરિયા કિનારાના વિસ્તારોમાં પણ અનેક આર્થિક પ્રવૃતિઓ વધી છે જેના કારણે રોજગારીમાં વધારો થયો છે. ફ્રેઇટ કોરિડોરનો અમલ સૌથી પહેલા ગુજરાતથી જ થયો છે તેમજ સૌથી પહેલી ટ્રાયલ રન પણ ગુજરાતમાં જ થઈ છે. આ કોરિડોરના કારણે નાના બંદરોનો વિકાસ થશે તેમજ ઈમ્પોર્ટ અને એક્ષ્પોર્ટમાં પણ વધારો થશે. આપણા વિસ્તારમાં અમલસાડ અને પારડીથી ચીકુ માત્ર આઠ કલાકમાં દિલ્હી સુધી પહોંચતા થશે અને તેના ભાવો પણ સારા મળશે. ઝડપી માલ પરિવહન થશે અને સમગ્ર ભારતનો વિકાસ થશે. વડાપ્રધાનશ્રીના દેશના વિકાસમાં કરેલા કાર્યોને વધાવતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, તેમણે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતને વર્ષ ૨૦૧૪ સુધીમાં સમગ્ર દેશમાં નંબર-૧ મોડેલ રાજ્ય બનાવ્યું છે. દેશની ઈકોનોમી જ્યારે તેઓ વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા ત્યારે ૧૧માં નબરે હતી જે હાલમાં પાંચમાં નંબરે પહોંચાડી છે. વાયબ્રન્ટ ગુજરાત દ્વારા રોજગારીની તકો વધારી છે. આદિવાસી જન કલ્યાણ યોજનાઓ, સ્વચ્છ ભારત યોજનાથી દેશનો અવિરત વિકાસ થઈ રહ્યો છે. કોરોના કાળમાં સ્વદેશી રસી બનાવી અને સમગ્ર દુનિયાના ૧૨૦ દેશોને વિનામુલ્યે રસી આપી દેશનું નામ ઊંચુ કર્યું છે. કાંઠાના વિસ્તારોમાં અનેક મુશ્કેલીઓના સમયે પણ અંડરગ્રાઉન્ડ કેબલિંગના લીધે ગુણવત્તાયુક્ત વીજળી મળી રહેશે તેવી ખાતરી છે.
સાંસદ ડૉ. કે.સી.પટેલ અને ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલે નવા રેલવે ઓવરબ્રિજના અભિનંદન પાઠવતા પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ બ્રિજનાબેન પટેલ, જિલ્લા પંચાયત સભ્ય ધવલ પટેલ, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ આશિષ ગોહિલ, માજી નગરપાલિકા પ્રમુખ સોનલ સોલંકી, રેલવેના ચીફ જનરલ મેનેજર વિકાસ કુમાર, ડેપ્યુટી સીપીએમ સચિન દુપાડે અને મનોજ દાસ, સરોધી અને વશીયર ગામના સરપંચો, સબંધિત વિભગ અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.