ખેરગામ પ્રગટેશ્વર ધામ આછવણીમાં સવાલાખ બિલીપત્રના અભિષેક સાથે પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ

ખેરગામ
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના આછવણી ખાતે પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ સવા લાખ બિલીપત્રના મહા અભિષેક સાથે કરાયો હતો. પ્રગટ પ્રગટેશ્વર ધામના ધર્મચાર્ય પરભુદાદા અને રમાબાના સાનિધ્‍યમાં શરૂ થયેલા શ્રાવણ માસના શુભારંભ અવસરે લઘુરુદ્ર યજ્ઞ પણ કરાયો હતો.
ધર્મચાર્ય પૂ. પરભુદાદાએ શિવ પરિવારના ભક્‍તજનોને આશીર્વાદ પાઠવતાં જણાવ્‍યું હતું કે, શિવ શબ્‍દ જ કલ્‍યાણકારી છે. ઝેર પીને સમગ્ર વિશ્વનું કલ્‍યાણ કરનારા ભગવાન શિવની પૂજા કરી તેના આશીર્વાદ મેળવવા માટે શ્રાવણ માસનું અતિ મહત્‍વ છે. બિલીપત્રના ત્રણ પાનમાં બ્રહ્મા, વિષ્‍ણુ અને મહેશ એમ ત્રણેય દેવ સમાયેલા છે. બીલીપત્રના ઝાડ નીચે વિશ્વના તમામ તીર્થ સમાયેલા છે, જેથી ત્‍યાં પૂજા અર્ચન કરવાથી સમગ્ર તીર્થનું પુણ્‍ય મળે છે. હિન્‍દૂ શાષા મુજબ ધાર્મિક, પ્રેમભાવ અને રાષ્‍ટ્રભાવના ત્રિવેણી સંગમ સમા શ્રાવણ માસમાં ભગવાન શ્રીકૃષ્‍ણના જન્‍મોત્‍સવ પણ આવે છે. પ્રભુ ભકિત કરવાની સાથે દુર્ગુણો અને કુટેવો છોડી દેશો તો શિવની પ્રાપ્‍તિ થઈ શકશે. જીવનના સંપૂર્ણ કલ્‍યાણ માટે માં-બાપની સેવા કરવી તેમની દરેક આજ્ઞાનું પાલન કરવું જોઈએ.
ચીખલી તાલુકાના ઘેજ ગામના મયુરભાઇ અને લીનાબેન પટેલે શ્રાવણના પ્રથમ સોમવારે સવાલાખ બીલીપત્રના અભિષેક કરવાના સંકલ્‍પને સાકાર કરી સમગ્ર શિવ પરિવાર ઉપર ભગવાન શિવની કૃપા વરસે તેવા આશીર્વાદ પ્રાપ્‍ત કર્યા હતા.
યુવા કથાકાર ચિંતન જોશીએ શ્રાવણ માસનું મહત્ત્વ સમજાવતાં જણાવ્‍યું હતું કે, ભગવાન શિવની આરાધના કરવાથી શિવ તમારા હૃદયમાં પ્રગટે છે. શિવની પ્રાપ્‍તિ માટે તેની ઉપાસના આવશ્‍યક છે જે માટે શ્રાવણ માસ અતિ મહત્‍વનો છે. પ્રગટેશ્વર દાદાની કૃપાથી મને સફળતા મળી છે.
કશ્‍યપભાઈ જાનીએ આશીર્વચન આપતાં જણાવ્‍યું હતું કે, શ્રાવણ માસમાં બિલીપત્રનું ખૂબ જ મહત્ત્વ છે, ત્‍યારે મયુરભાઈએ આજના દિવસે સવા લાખ બિલીપત્રનો અભિષેક કરવાનો લીધેલો સંકલ્‍પ પરિપૂર્ણ કરી ભગવાન શિવના આશીર્વાદ મેળવ્‍યા છે. પ્રગટેશ્વર મહાદેવના સાનિધ્‍યમાં આખો શ્રાવણ ૐ નમઃ શિવાયની ધૂન ચાલે છે, જેથી પ્રગટેશ્વર દાદાના માત્ર દર્શન કરવાથી તેની મનોકામના પૂર્ણ થાય છે.
કથાકાર અનિલભાઈ જોશીએ શ્રાવણ માસનો મહિમા સમજાવતાં જણાવ્‍યું હતું કે, શિવનું સ્‍મરણ કરે તેને શિવલોકની પ્રાપ્‍તિ થાય છે. શ્રાવણ માસમાં અભિષેક કરવાથી સહષા ઘણું ફળ મળે છે, પ્રગટેશ્વર ધામ ખાતે આવનાર સૌનું કલ્‍યાણ થાય છે.
ભાગવત કથાકાર ભાસ્‍કરભાઈ દવેએ જણાવ્‍યું હતું કે, શિવ મંદિરે જવાના વિચારમાત્રથી જ પાપનો નાશ થવાની શરૂઆત થઈ જાય છે. માણસની સીમિત જીવનયાત્રા છે, આ યાત્રામાં શું કરવું શું ન કરવું તેની સાચી સમજ કેળવી ભક્‍તિના માર્ગે શ્રદ્ધા અને વિશ્વાસ રાખી જીવન જીવવા જણાવ્‍યું હતું. સદગુરુ અને બ્રાહ્મણ આવે તે દિવસે દિવસો અને દિવાળી સમજી ભગવાન શિવની આરાધના કરવા જણાવ્‍યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!