વલસાડ
આપણો દેશ અંગ્રેજોની ગુલામી માંથી આઝાદ થયો ને 75 વર્ષ થયા એ માટે સમગ્ર દેશ ” આઝાદી કા અમૃત મહોત્સવ ” ઉજવી રહ્યો છે અને ” હર ઘર તિરંગા ” ના સંકલ્પ સાથે સમગ્ર દેશમાં ઉત્સવ નો માહોલ છે. આઝાદીની લડતમાં વકીલોનું યોગદાન ખુબજ મોટું હતું. ઇતિહાસ સાક્ષી છે કે જયારે જયારે જરૂર પડી ત્યારે ત્યારે વકીલોએ દેશ પ્રત્યેની ફરજ નિષ્ઠાથી નિભાવી છે.
સમગ્ર દેશમાં વિવિધ જિલ્લાના વકીલો તિરંગા યાત્રાનો કાર્યક્રમ કરી રહ્યા છે તેવા સમયે વલસાડના વકીલોએ પણ આજે બપોરે 2 વાગ્યે તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું. વલસાડ ડીસ્ટ્રીકટ કોર્ટ, લેબર કોર્ટ, રેવેન્યુ કોર્ટ, ગ્રાહક સુરક્ષા કોર્ટ વિગેરે કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલ મિત્રો તિરંગા યાત્રામાં જોડાયાં હતાં. આ યાત્રામાં વકીલ મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
આ યાત્રા ડીસ્ટ્રીકટ કોર્ટ, વલસાડથી શરુ થઇ નિયત કરેલ રૂટ પરથી પ્રસાર થઇ આઝાદ ચોક પર રાષ્ટ્રગીતનો કાર્યક્રમ કરી વલસાડ ડીસ્ટ્રીકટ કોર્ટ મુકામે પરત થઇ હતી. દરેક વકીલમિત્રોએ તિરંગા યાત્રા દરમ્યાન તિરંગાની આન બાન અને શાન શિસ્તબદ્ધ રીતે જળવાય એનું ખાસ ધ્યાન રાખ્યું હતું.
આ યાત્રાને સફળ બનાવવા માટે વલસાડના ત્રણેય વકીલ મંડળના પ્રમુખો પી. ડી. પટેલ, ભરતભાઈ દેસાઈ અને અમિત ગુપ્તાએ ભારે જહેમત ઉઠાવી હતી. વલસાડના ડીજીપી અનિલ ત્રિપાઠી, સિનિયર એડવોકેટ ઐયાઝ શેખ સહિતનાં નામી વકીલો યાત્રામાં જોડાયા હતા.